સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ ભારે પડી, મહુવાના ખેડૂતે રૂા.3.48 લાખ ગુમાવ્યા

સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે રહેતા અને ખેતી તેમજ આરીભરતનું કામ…

સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે રહેતા અને ખેતી તેમજ આરીભરતનું કામ કરતા 43 વર્ષીય અપરિણીત યુવક સાથે લગ્ન કરાવી આપવાના બહાને ઉત્તર પ્રદેશની ઠગ ગેંગે રૂૂ. 3.48 લાખની માતબર રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બગદાણા પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે રહેતા અને ખેતી તેમજ આરીભરતનું કામ કરતા રાજુભાઈ પુનાભાઈ ગોહિલ ગત મે-2026 માં પોતાના મોબાઈલમાં ફેસબુક વાપરી રહ્યા હતા ત્યારે તેમણે સામૂહિક વિવાહ સંમેલન નામની હિન્દીમાં એક જાહેરાત જોઈ હતી. પોતે અપરિણીત હોય અને લગ્ન કરવાની ઈચ્છા હોવાથી તેમણે કોમેન્ટ બોક્સમાં પોતાનો મોબાઈલ નંબર લખ્યો હતો.
ત્યારબાદ બીજા જ દિવસે લખનઉના નિતિનસિંહ જંગબહાદુર સિંહ નામના શખ્સે ફોન કરી પોતાની સંસ્થા લગ્ન કરાવતી હોવાનું કહી રજિસ્ટ્રેશન ફી પેટે રૂૂ. 1,050 ઓનલાઈન સ્કેનર મારફતે મંગાવ્યા હતા.

ત્યારબાદ નિતિનસિંહે યુવકને સુનિતા અશોકસંગ તિવારી (રહે. હજરતગંજ, લખનઉ) નામની યુવતી સાથે લગ્ન નક્કી થયા હોવાનું જણાવી વોટ્સએપ પર ખોટું મેરેજ કાર્ડ અને ફોટા મોકલ્યા હતા. પૂજારીની ફી, મંડપ અને કપડાંના ખર્ચના બહાને યુવક તથા તેની બહેનના બેંક ખાતામાંથી કટકે-કટકે કુલ રૂૂ. 3,48,154 સ્કેનર મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ દરમિયાન ઠગોએ ગાંધીનગરથી લખનઉની ટ્રેનની બોગસ ટિકિટ મોકલી યુવક અને તેની બહેનને રવાના કર્યા હતા. જોકે ટ્રેનમાં ટીટીએ તપાસ કરતા ટિકિટ કેન્સલ હોવાનું અને ટ્રેન પંજાબ જતી હોવાનું માલૂમ પડતાં સમગ્ર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. આ અંગે સાયબર હેલ્પલાઈન 1930 પર અરજી કર્યા બાદ બગદાણા પોલીસે નિતિનસિંહ સિંહ અને સુનિતા તિવારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.