માનતાથી નહીં મહેનતથી નસીબ બદલાશે, સાંસદ ગેનીબેનની ટકોર

બનાસકાંઠાના લોકપ્રિય કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે લાખણી તાલુકાના મોટાકાપર ગામે આયોજીત એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણથી દૂર રહેવા અને શિક્ષણ તરફ…

બનાસકાંઠાના લોકપ્રિય કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગઈકાલે લાખણી તાલુકાના મોટાકાપર ગામે આયોજીત એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને સંબોધતા અંધશ્રદ્ધાના દૂષણથી દૂર રહેવા અને શિક્ષણ તરફ વળવા કડક શબ્દોમાં ટકોર કરી હતી.

મહિલાઓમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને કુરિવાજોને દૂર કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “માત્ર દીવા કરવા કે માનતા રાખવાથી સફળતા મળતી નથી; જ્યાં સુધી તમે સારા કર્મ નહીં કરો ત્યાં સુધી કુદરત પણ તમારો સાથ આપશે નહીં.” તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે બહેનોને અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર આવી પોતાના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા હૃદયપૂર્વકની અપીલ કરી હતી.
પોતાના વક્તવ્યમાં ગેનીબેને સમજાવ્યું હતું કે, આજનો યુગ જ્ઞાન અને વિજ્ઞાનનો છે. અંધશ્રદ્ધામાં સમય અને નાણાંનો વ્યય કરવાને બદલે બહેનોએ પોતાના સંતાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષણ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

જો સમાજની સ્ત્રીઓ જાગૃત બનશે અને પોતાના બાળકોને ભણાવશે, તો જ આખો પરિવાર અને સમાજ આગળ આવશે. ભગવાન પણ એવા લોકોને જ મદદ કરે છે જેઓ પુરુષાર્થ કરે છે અને સન્માર્ગે ચાલે છે. લાખણીના મોટાકાપર ગામે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગેનીબેન ઠાકોરના પ્રેરણાદાયી વિચારોએ હાજર રહેલી તમામ મહિલાઓમાં શિક્ષણ પ્રત્યે એક નવી ચેતના અને જાગૃતિનો સંચાર કર્યો હતો.