વેરાવળના વોર્ડ નં.4માં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓનો હલ્લાબોલ

વેરાવળમાં વોર્ડ નંબર 4 માં આવેલ આંબેડકર નગરના રહીશો દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ રહેવાસીઓ થાળી-વેલણ લઈ…

વેરાવળમાં વોર્ડ નંબર 4 માં આવેલ આંબેડકર નગરના રહીશો દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ રહેવાસીઓ થાળી-વેલણ લઈ પહોંચ્યા હતા અને ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને આખરે પરીસ્થિતિ ની ગંભીરતા સમજી કામ વહેલી તકે શરૂૂ કરવાની લેખિત ખાતરી આપવામાં આવતા રહીશો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા.

આ અંગે સમાજના અગ્રણી રોહિત વાજા એ જણાવેલ કે, છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. હાડી હરિજન સમાજ પ્રભાસ પાટણનાં પ્રમુખ રામજીભાઈ ચુડાસમા ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થયા હતા. રહેવાસીઓ પાલિકા ઉપપ્રમુખ ની ચેમ્બરમાં ધરણા પર બેસી ગયા હતા અને લેખિત બાંહેધરી ની માંગ પર અડગ રહ્યા હતા.

અંદાજે અડધો કલાક બાદ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાનીના પ્રતિનિધિ જયદેવ જાની કચેરીએ દોડી આવ્યા હતા. ત્યારબાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત થઈ હતી. ટેન્ડર થયા છતાં કામ શરૂૂ ન થતા અસંતોષ હોય અને આંબેડકર નગર ને જી.આઇ.ડી.સી. સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ચાર વર્ષથી અધૂરો હોવાનું રહીશોનું કહેવું છે.

રોડ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એજન્સી નિમણૂક પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂૂ ન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આખરે પરિસ્થિતિની ગંભીરતા સમજી નગરપાલિકા પ્રમુખ દ્વારા 15 મા નાણાં પંચ હેઠળ આંબેડકર નગરના કામ વહેલી તકે શરૂૂ કરવાની લેખિત ખાતરી આપવામાં આવી હતી. લેખિત બાંહેધરી મળતા રહીશો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા. આ અંગે ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ જણાવ્યું હતું કે, એન્જિનિયર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. રોડનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂૂ કરવામાં આવશે. પ્રમુખના પ્રતિનિધિ દ્વારા પણ પ્રશ્નનો ઉકેલ લાવવા આશ્વાસન આપવામાં આવ્યું છે.