વીરપુરના પીઠડિયા ગામે દારૂનો દરોડો: રૂા.18.60 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ) એ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ગામ નજીક હાઈવે પર દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો…

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB ) એ વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઠડીયા ગામ નજીક હાઈવે પર દરોડો પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹18,60,898નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 1,309 બોટલ વિદેશી દારૂૂનો સમાવેશ થાય છે. આ મામલે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના નિર્દેશ બાદ LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે, પીઠડીયા ગામ પાસે ખોડીયાર હોટલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે ગોંડલથી જેતપુર તરફ જતી GJ-21-BC-9295 નંબરની ટોયોટા ઇનોવામાં વિદેશી દારૂૂ ભરેલો છે અને તેની આગળ GJ-03-MH-0054 નંબરની હ્યુન્ડાઈ ક્રેટા પાયલોટિંગ કરી રહી છે. પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કરતા ઇનોવામાંથી એક અને ક્રેટામાંથી બે શખ્સો ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઇનોવાની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીની ઓળખ પ્રિન્સ કુરજીભાઈ પરમાર (રહે. પ્રમુખનગર, ગોંડલ) તરીકે થઈ છે. ફરાર થયેલા આરોપીઓમાં વિશાલ ઉર્ફે નાનુ રમેશભાઈ સાકરીયા (રહે. બિલિયાળા, તા. ગોંડલ) અને જોરૂૂભાઈ મનુભાઈ પટગીર (રહે. નોલી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) નો સમાવેશ થાય છે. પોલીસે આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 1,309 બોટલ વિદેશી દારૂૂ (કિંમત ₹3,43,398), ₹2,500 રોકડા, ત્રણ મોબાઇલ ફોન (કિંમત ₹15,000), એક હ્યુન્ડાઈ ક્રેટા કાર (કિંમત ₹5 લાખ) અને એક ટોયોટા ઇનોવા કાર (કિંમત ₹10 લાખ) નો સમાવેશ થાય છે. આ તમામની કુલ કિંમત ₹18,60,898 આંકવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી રાજકોટ ગ્રામ્ય LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહિલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ, ASI બાલકૃષ્ણ ત્રિવેદી સહિત LCB ટીમના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.