Site icon Gujarat Mirror

ગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે અલગ અલગ સ્થળે દરોડા બે દરોડામાં 21.97 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

રાજકોટના ગોંડલ અને શાપર વેરાવળમાં ગ્રામ્ય એલસીબીએ બે સ્થળે દરોડા પાડી રૂા.31.37 લાખની કિંમતનો દારૂ બીયરનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બે દરોડામાં કુલ 21.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શાપર-વેરાવળ પાસેથી પોલીસે દરોડો પાડીને રૂા.12.12 લાખની કિંમતની 1896 ટીન બીયર ભરેલી બોલેરો સાથે રાજકોટ અને લોધિકાના બે શખ્સોની ધરપકડ કરી જ્યારે ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ પાસેથી રૂા.1.25 લાખનો દારૂ ભરેલી ક્રેટા રેઢી મળી આવી હતી.

મળતી વિગતો મુજબ, સાતમ આઠમના તહેવારો પૂર્વે સૌરાષ્ટ્રના બુટલેગરો સક્રિય થયા હોય ત્યારે દારૂની હેરાફેરી રોકવા અને આવા બુટલેગરો સામે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ સક્રિય થઈ હતી અને બે અલગ અલગ સ્થળોએ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં શાપર-વેરાવળ ઉર્જા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આનંદ સ્ટીલની બાજુમાં શેડમાં દરોડો પાડી રૂા.12.12 લાખની કિંમતના 1896 ટીન બીયર સાથે જીજે.13.એ.ડબલ્યુ 5838 નંબરની બોલેરો સાથે રાજકોટનાં કોઠારીયા રોડ પર રહેતાં મુળ ચોટીલાના વતની મેઘરાજ કનુભાઈ પટગીર અને મુળ જામનગરના અને હાલ લોધિકા રહેતા જયેન્દ્રસિંહ તાનુભા જાડેજાની ધરપકડ કરી રૂા.17.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બીજા દરોડામાં ગોંડલના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવી હોય તે દરમિયાન ક્રેટા કાર નં.જીજે.3જે.સી.5434 રેઢી મળી આવી હતી. પોલીસની વોચ જોઈને ક્રેટા ચાલક ફરાર થઈ ગયો હોય આ ક્રેટા કારમાં તપાસ કરતાં તેમાંથી 48000ની કિંમતના 480 બોટલ દારૂની તેમજ 77440 કિંમતની 352 ટીન બીયર મળી રૂા.1.25 લાખનો દારૂ તથા કાર મળી 4.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, ઈન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ અને મહીપાલસિંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.

Exit mobile version