ગુજરાત
ગીરગઢડા નજીક ઈનફાઈટમાં સિંહનું મોત, મૃતદેહ મળી આવ્યો
જામવાળા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ
ગુજરાતના ગીર અભ્યારણના સિંહો માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ આખા ગુજરાતનું ઘરેણું છે. ગીરના સાવજો જ છે જે સમગ્ર દેશ અને વિદેશના લોકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તેવામાં આ સાવજોના સંરક્ષણ માટે સરકાર અવારનવાર એક્શન પ્લાન તૈયાર કરતી રહેતી હોય છે. પણ તે છત્તા સિંહોના મોતનો સિલસિલો અટકતો નથી. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના હરમડિયા રેન્જ ફોરેસ્ટમાં ઈનફાઈટમાં એક સિંહનું મોત થયું છે. હરમડિયા ગામના રિઝર્વ ફોરેસ્ટમાંથી અંદાજે ત્રણ થી પાંચ વર્ષની ઉંમરના સિંહનો મૃતદેહ મળતા વન વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે દોડી સિંહના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો.
મૃતદેહની તપાસ કરતા સિંહના ગરદનના ભાગે ઇજા જોવા મળી હતી, જેથી સિંહના મૃતદેહને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સિંહને ઇન્ફાઇટમાં ગંભીર ઈજા થતાં સિંહનું મૃત્યુ થયાનું કારણ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.