અમેરિકા-ઈરાનના યુદ્ધના કકળાટમાં એક બહુ મહત્ત્વના અને દુનિયાના રાજકારણનાં સમીકરણો બદલી નાખે એવી ફ્રાન્સ સરકારની જાહેરાત તરફ બહુ લોકોનું ધ્યાન ગયું નથી. ફ્રાન્સ સરકારે જાહેરાત કરી છે કે, ફ્રાન્સમાં તમામ સરકારી વર્કસ્ટેશન્સ એટલે કે સરકારી ઓફિસનાં કોમ્પ્યુટરમાંથી બિલ ગેટ્સે સ્થાપેલી માઈક્રોસોફ્ટ કંપનીની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ દૂર કરાશે. હવે પછી ફ્રાન્સનાં સરકારી કોમ્પ્યુટર્સ વિન્ડોઝના તેના બદલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમથી ચાલશે. અમેરિક્ત કંપની માઈક્રોસોફ્ટની વિન્ડોઝને તિલાંજલિ આપીને ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ (ઓએસ) લિનક્સ પર જવાના ફ્રાન્સના નિર્ણયે યુરોપ અને અમેરિકા બંનેમાં ખળભળાટ મચાવી દીધો છે.
આ પહેલાં જાન્યુઆરીમાં ફ્રેન્ચ સરકારે વીડિઓ કોન્ફરન્સિંગ માટે ઝૂમ અને માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ બંધ કરવાનું એલાન કરેલું. તેના બદલે ફ્રાન્સમાં બનેલા વિઝિયોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો હતો. વિઝિયો ઓપન સોર્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ વીડિયો મીટિંગ ટૂલ જીત્સી પર આધારિત છે. ફ્રાન્સની સરકારે ડિજિટલ ક્ષેત્રે ફ્રાન્સના સાર્વભૌમત્વ બનાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું સત્તાવાર રીતે કહ્યું છે. ફ્રેન્ચ મંત્રી ડેવિડ એમિલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ પહેલનો હેતુ યુએસ ટેક કંપનીઓ પરનો મદાર ઘટાડીને પોતાના ડેટા અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફ્રાન્સ સરકારનો સંપૂર્ણ અધિકાર સ્થાપિત કરવાનો છે.
મતલબ કે, ફ્રાન્સ હવે અમેરિકાની ચુંગાલમાંથી મુક્ત થઈને ડિજિટલી આત્મનિર્ભર બનવા માગે છે. ફ્રાન્સે લીધેલો નિર્ણય બહાદુરીભર્યો છે અને ભારત પણ ફ્રાન્સના રસ્તે ચાલીને ડિજિટલી આત્મનિર્ભર બની શકે છે. ફ્રાન્સે તો પોતાની ઓપરેટિંગ સિસ્ટમ નથી વિકસાવી પણ ભારત તો પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પણ વિકસાવી શકે છે કેમ કે લિનક્સ યુનિક્સ આધારિત ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. મતલબ કે, તેનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વિકસાવી શકે છે, તેના માટે કોઈ પેટન્ટ ફી ચૂકવવાની નથી. ચીને લિનક્સનો લાભ લઈને પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી જ છે. 2023માં ચીને લિનક્સ પર આધારિત પોતાની પહેલી સ્વદેશી ઓપન-સોર્સ ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ ઓપનકાયલિન બનાવી હતી. ચીને લગભગ 4000 ડેવલપર્સની મદદથી ઓપનકાયલિન બનાવી છે.
અત્યારે ઓપનકાયલિનનો ઉપયોગ ચીન પોતાના સ્પેસ પ્રોગ્રામ, ફાયનાન્સ અને એનર્જી સહિતનાં સેક્ટરમાં કરે જ છે, ભારત પાસે થોકબંધ ડેવલપર્સ છે એ જોતાં મોદી સરકારે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ. ઓઆઈના કારણે ભારતીય આઈટી કંપનીઓનું ભાવિ ધૂંધળું દેખાઈ રહ્યું છે ત્યારે આ પહેલના કારણે તેમને પણ જીવતદાન મળશે. આપણે ચીનની મદદ ના લઈ શકીએ પણ ફ્રાન્સ સહિતના દેશો આ પુણ્ય કાર્યમાં ચોક્કસ મદદ કરી શકે એ જોતાં વિલંબ કરવા જેવો નથી.

