અમદાવાદ આવી રહેલી ફ્લાઇટ પર વીજળી પડી; લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ

  બિહારના પટનાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી છે.જેના કારણે વિમાનનો આગળનો ભાગ એટલે કે નોઝ ક્ષતિગ્રસ્ત થયો છે. ફ્લાઇટ ખરાબ…

 

બિહારના પટનાથી ગુજરાતના અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ પર વીજળી પડી છે.જેના કારણે વિમાનનો આગળનો ભાગ એટલે કે નોઝ ક્ષતિગ્રસ્ત થયો છે. ફ્લાઇટ ખરાબ હવામાન દરમિયાન આકાશીય વીજળીની ઝપેટમાં આવી ગઈ હતી. લખનૌ નજીક બનેલી આ ઘટના બાદ પાયલોટે પોતાની સમજદારીથી વિમાનનું લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું. વિમાનમાં 150 મુસાફરો સવાર હતા અને તમામ સુરક્ષિત છે.

ઈન્ડિગો વિમાને બુધવારે બપોરે 3:10 વાગ્યે પટના એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ જ વિમાનને સાંજે 5:05 વાગ્યે લખનૌથી અમદાવાદ જવાનું હતું.એરપોર્ટના સૂત્રો અનુસાર, 17 હજાર ફૂટની ઊંચાઈએ વીજળીની ચપેટમાં આવ્યા બાદ વિમાન સાંજે 4:05 વાગ્યે લખનઉ એરપોર્ટ પર ઉતર્યું. જ્યારે તેને સાંજે 4:20 વાગ્યે પહોંચવાનું હતું. તકનીકી સમસ્યા સર્જાયા બાદ વિમાનને લખનઉ એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યું. મુસાફરો માટે ઇન્ડિગોએ બીજા વિમાનની વ્યવસ્થા કરી.

વીજળી પડ્યા બાદ તરત જ પાઈલટે લખનૌ ATCનો સંપર્ક કર્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિમાનને લખનૌ એરપોર્ટ પર ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી અને ત્યાં તે સુરક્ષિત રીતે ઉતર્યું.

આધુનિક પેસેન્જર વિમાનોની રચના એવી રીતે કરવામાં આવે છે કે તે ઉડાન દરમિયાન વીજળી પડવા જેવી પરિસ્થિતિઓનો સામનો કરી શકે. સામાન્ય રીતે, વીજળીનો પ્રવાહ વિમાનની બહારની સપાટી પરથી પસાર થઈને બીજા બિંદુએથી બહાર નીકળી જાય છે. આવી ઘટનાઓમાં મુસાફરો સામાન્ય રીતે સુરક્ષિત રહે છે, પરંતુ વિમાનની બહારની સપાટીને ટેકનિકલ નુકસાન થઈ શકે છે.

આ ઘટનામાં વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું, પરંતુ પાઈલટે ત્વરિત ATCનો સંપર્ક કર્યો અને લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કર્યું. ત્યારબાદ, ટેકનિકલ ટીમે વિમાનની તપાસ કરી અને સુરક્ષાના કારણોસર તેને ઉડાન ભરતા અટકાવી દીધું. હાલમાં વિમાન લખનૌ એરપોર્ટ પર છે અને તેની ટેકનિકલ તપાસ તેમજ જરૂરી સમારકામની કામગીરી ચાલી રહી છે.