Site icon Gujarat Mirror

ગોંડલના કૈલાસ કોમ્પ્લેક્સની અગાસી પરથી લિફટમેનનો મૃતદેહ મળી આવ્યો

ગોંડલ શહેરના રાજમાર્ગ પર આવેલા જાણીતા કૈલાસ કોમ્પ્લેક્ષમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્ષની અગાસી પરથી એક 53 વર્ષીય પ્રૌઢનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતકનું નામ માલમભાઈ અરવિંદભાઈ વિજા (ઉંમર વર્ષ આશરે 53) હોવાનું જાણવા મળ્યું છે, જેઓ મૂળ પોરબંદરના ખારવાવાડના વતની હતા. માલમભાઈ આ કોમ્પ્લેક્ષમાં લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા હતા અને સાથે સાથે કેટલીક ઓફિસોમાં સાફ-સફાઈનું કામ પણ કરતા હતા. આજે સવારે તેઓ નિયત સમયે કામે ન પહોંચતા, ઓફિસના લોકોએ તેમની શોધખોળ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન કોમ્પ્લેક્ષની અગાસી પર તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. અગાસીની લોખંડની જાળીને તાળું મારેલું હોવાથી પોલીસ અને સ્થાનિકો માટે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. આ અંગે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અંતે, ગ્લાઈન્ડર વડે લોખંડની જાળીનું તાળું તોડીને મૃતદેહને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.

મૃતક માલમભાઈનું મોત કુદરતી રીતે થયું છે કે અન્ય કોઈ કારણોસર, તે હજુ સ્પષ્ટ થયું નથી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

Exit mobile version