રાષ્ટ્રીય
ઓમર અબ્દુલ્લાના પ્રસ્તાવને LGની મંજૂરી, આ રીતે જમ્મુ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી બાદ ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં સરકાર બની છે. ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને ગુરુવારે (17 ઓક્ટોબર) જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ ઉપરાજ્યપાલ દ્વારા આજે (19 ઓક્ટોબર) તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.
આજે આ સંદર્ભમાં માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની સ્થિતિને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરે કેબિનેટ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
જમ્મુ અને કાશ્મીરની કેબિનેટે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર સાથે આ મુદ્દો ઉઠાવવા માટે અધિકૃત કર્યા છે.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં દસ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણી દરમિયાન ઓમર અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને મુદ્દો બનાવી હતી. સરકારની રચના બાદ કેબિનેટમાં આ અંગેની દરખાસ્તો પસાર કરવામાં આવી હતી.
4 નવેમ્બરે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવશે
સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં દિલ્હીની મુલાકાત લેશે અને દિલ્હીમાં વડાપ્રધાન અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને મળશે અને જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવ પર ચર્ચા કરશે.
કેબિનેટની બેઠકમાં 4 નવેમ્બરે શ્રીનગરમાં વિધાનસભા સત્ર બોલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એલજીને વિધાનસભા બોલાવવા વિનંતી કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ 21 ઓક્ટોબરે ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. લેફ્ટનન્ટ ગવર્નરે મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.