Sports
ફૂટબોલ ચેમ્પિયન્સ લીગમાં લેવાન્ડોવસ્કીના 100 ગોલ પૂરા
રોબર્ટ લેવાન્ડોવસ્કીએ પોતાના શાનદાર ફોર્મ તથા પ્રદર્શનને જારી રાખીને પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા સુકાની લાયોનલ મેસ્સી બાદ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં 100 ગોલ પૂરા કરનાર ત્રીજા ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી.
લેવાન્ડોવસ્કીએ બ્રેસ્ટ સિટી સામે બાર્સેલોનાએ મેળવેલા 3-0ના વિજયમાં પેનલ્ટીને ગોલમાં ફેરવીને ટીમ માટે ખાતું ખોલ્યું હતું અને તેણે ચેમ્પિયન્સ લીગમાં 100 ગોલ પણ પૂરા કર્યા હતા. પોલેન્ડના આ સ્ટ્રાઇકરે બીજા હાફના ઇન્જરી ટાઇમમાં પોતાનો 101મો ગોલ નોંધાવ્યો હતો. લીગમાં સર્વાધિક ગોલ રોનાલ્ડોના નામે છે જેણે 140 ગોલ કર્યા છે. મેસ્સીના નામે 129 ગોલ નોંધાયેલા છે. 36 વર્ષીય લેવાન્ડોવસ્કીએ પોતાની 125મી લીગ મેચમાં આ વિશેષ માઇલસ્ટોન પાર કર્યો હતો. મેસ્સીએ 123 તથા રોનાલ્ડોએ 137 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.