Site icon Gujarat Mirror

આ સમિટ પૂરી થવા દો પછીથી ગલગોટિયાનો વારો: પાસવાન

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની રોબોટિક ડોગને પોતાનું સંશોધન ગણાવનાર ગલગોટિયા યુનિવર્સિટીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઘટનાને મોટી ચૂક ગણાવી સમિટ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026’માં ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા રોબોટિક ડોગને પોતાનું સ્વદેશી નવતર સંશોધન ગણાવવાનો વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ મામલે અત્યંત આક્રમક નિવેદન આપતા તેને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા પર દાગ સમાન ગણાવ્યું છે.

ચિરાગ પાસવાને મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “કોઈ યુનિવર્સિટી દ્વારા ચીની પ્રોડક્ટ પર પોતાનો માલિકી હક જતાવો એ માત્ર ભૂલ નથી પણ એક મોટી ચૂક છે. જ્યારે દેશમાં આટલી મોટી વૈશ્વિક AI સમિટ યોજાઈ રહી હોય, ત્યારે આવી ખોટી માહિતી આપવી એ ગંભીર બાબત છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, યુનિવર્સિટીના પ્રતિનિધિ જે રીતે શબ્દોની રમત રમી રહ્યા હતા તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ સ્થિતિને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આનાથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડાઈ છે. મંત્રીએ ચેતવણી આપી છે કે હાલ સમિટ ચાલુ હોવાથી સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પરંતુ જેવી આ ઈવેન્ટ પૂર્ણ થશે, સરકાર નક્કી કરશે કે ગલગોટિયા યુનિવર્સિટી સામે કેવા પ્રકારના કડક પગલાં લેવા જોઈએ. બીજી તરફ, શિવસેના (UBT) ના સાંસદોએ પણ આ મામલે ભારે દંડ અને યુનિવર્સિટી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

Exit mobile version