ગુજરાત

સાબરમતીમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ 5 કરોડની ખંડણી માગી

Published

on

વીડિયો કોલ કરી દિલ્હીના વેપારીને કહ્યું…. ઓળખી લીધોને ?, તું કેટલી વખત ટોઈલેટ જાય છે એ પણ અમને ખબર છે


અમદાવાદની સાબરમતી જેલમાં લાંબા સમયથી બંધ રાજસ્થાનના નામચીન ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈએ દિલ્હીના એક વેપારીને વીડિયો કોલ કરી રૂા.પાંચ કરોડની ખંડણી માંગતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે અને સાબરમતી જેલ પ્રશાસન સામે વધુ એક વખત સવાલો ઉઠયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં લોરેન્સ છાબરા પાસેથી 5 કરોડ રૂૂપિયાની ખંડણી માંગતો જોવા મળે છે.કૃણાલ છાબરાને વિશ્વાસ અપાવવા માટે લોરેન્સ બિશ્નોઇએ પહેલા વીડિયો કોલ કર્યો હતો અને કહ્યું કે ઓળખી લીધોને કે હું જ છું.
લોરેન્સનો આ કોલ એવા સમયે આવ્યો જ્યારે તે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. લોરેન્સ બિશ્નોઇનો સાબરમતી જેલમાંથી વીડિયો કોલનો વીડિયો વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા છે.


છાબરાએ લોરેન્સ બિશ્નોઇને કહ્યું કે તે દૂબઇમાં છે. તે બાદ લોરેન્સે વોઇસ કોલ કરીને કૃણાલ છાબરા પાસે 5 કરોડની ખંડણી માંગી હતી. કૃણાલે થોડો સમય માંગ્યો હતો પરંતુ લોરેન્સે સમય આપવાનો ઇનકાર કર્યો હતો. લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, અમારી દરેક સમયે તારા પર નજર છે, તું કેટલી વખત ટોયલેટ જાય છે, એ પણ અમને ખબર છે.


દિલ્હીમાં ગેન્ગસ્ટર અને અંડરવર્લ્ડનો ડર જોવા મળી રહ્યો છે. દિલ્હીના મોટાભાગના ઉદ્યોગપતિઓને ધમકી મળી રહી છે. આ ધમકી લોરેન્સ બિશ્નોઇ- ગોલ્ડી બરાર ગેન્ગ તરફથી આપવામાં આવી રહી છે. આ પહેલા ગ્રેટર કૈલાશના સોન્ગ પ્રોડ્યૂસર અમન બત્રાને પણ આવી જ ધમકી ભરેલો કોલ આવ્યો હતો અને 5 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આટલું જ નહીં પૈસા ના આપવા પર મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી.
કોલ કરનારા શખ્સે ખુદને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગનો હોવાનું જણાવ્યું છે. અમન બત્રા પાસે પણ 5 કરોડ રૂૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ અમને દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી.


દિલ્હી પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.ક્રાઇમની દુનિયામાં લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરારનું નામ લેવામાં આવે છે. પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા લોરેન્સ બિશ્નોઇ પર બે ડઝનથી વધુ ગુના નોંધાયેલા છે જેમાં એક્સટોર્શન અને મર્ડરના સૌથી વધુ કેસ છે. આ બન્ને ગેન્ગસ્ટરોની ગેન્ગમાં અનેક લોકો સામેલ છે. લોરેન્સ બિશ્નોઇ અત્યારે જેલમાં બંધ છે અને જેલમાં બેસીને પણ તે પોતાની ગેન્ગને કંટ્રોલ કરી રહ્યો છે. પંજાબના જાણીતા સિંગર સિદ્ધૂ મુસેવાલાની હત્યા કેસમાં પણ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર ગેન્ગનું નામ સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version