બિહારમાં Jen-Z ઉપર લાઠીચાર્જ, વોટર કેનનનો ઉપયોગ

  બિહાર લોક સેવા આયોગ (BPSC)ની 70મી પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીકના આક્ષેપોને લઈને રાજધાની પટનામાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન મંગળવારે વધુ હિંસક અને ઉગ્ર બન્યો…

 

બિહાર લોક સેવા આયોગ (BPSC)ની 70મી પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર લીકના આક્ષેપોને લઈને રાજધાની પટનામાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન મંગળવારે વધુ હિંસક અને ઉગ્ર બન્યો હતો. ગાંધી મેદાન ખાતેથી હજારો વિદ્યાર્થીઓ રાજભવન અને મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધ્યા હતા અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા માટે ગોઠવાયેલા પોલીસ બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. સ્થિતિ વણસતાં ભીડને વિખેરવા માટે પોલીસે ભારે બળપ્રયોગ કરીને વોટર કેનન અને લાઠીચાર્જનો સહારો લીધો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. અનેક વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

આંદોલનકારી વિદ્યાર્થીઓની મુખ્ય માગણી 70મી BPSC પરીક્ષા રદ્દ કરવાની છે. આ ઉપરાંત, ઉમેદવારોએ શિક્ષક ભરતી પરીક્ષા (ઝછઊ-4.0) ની પ્રક્રિયા બે તબક્કાના બદલે એક જ તબક્કામાં યોજવા, નેગેટિવ માર્કિંગ પદ્ધતિ નાબૂદ કરવા અને સત્તાવાર ભરતી જાહેરાત તત્કાળ જારી કરવાની માગણી પણ જોરશોરથી ઉઠાવી છે. આંદોલનનું નેતૃત્વ કરી રહેલા નેતાઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓ છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હોવા છતાં સરકાર તરફથી કોઈ સંવાદ સાધવામાં આવ્યો નથી.

પોલીસ અને વહીવટી તંત્ર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ કિંમતે આગળ વધવા દેવામાં આવશે નહીં. અધિકારીઓએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સાથે વાટાઘાટો ચાલી રહી હતી, પરંતુ એક જૂથે ઉગ્ર વલણ અપનાવી બેરિકેડ તોડવાનો પ્રયાસ કરતાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોએ હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

દરમિયાન, વિપક્ષી નેતા તેજસ્વી યાદવે ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને પત્ર લખીને વિદ્યાર્થીઓની માગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક સંવાદ શરૂૂ કરવાની અપીલ કરી છે. તેમણે BPSC અને BSSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા, હિન્દી માધ્યમના ઉમેદવારો સામેના ભેદભાવને દૂર કરવા તેમજ પેપર લીક માફિયાઓ સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.