કુલગામ એન્કાઉન્ટરમાં લશ્કર કમાન્ડર લતીફ ભટ્ટ ઠાર: મસ્જિદમાં છુપાયો હતો CRPF પોસ્ટ હુમલાનો માસ્ટરમાઇન્ડ

    જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના લતીફ ભટ નામના એક આતંકવાદીને ઠાર માર્યો છે. સુરક્ષા દળોએ…

 

 

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના લતીફ ભટ નામના એક આતંકવાદીને ઠાર માર્યો છે. સુરક્ષા દળોએ તેને દેવસર વિસ્તારમાં આવેલા જંગલપોરા ગામમાં ઘેર્યો હતો.સુરક્ષા દળોએ વીડિયો કોલ દ્વારા લતીફનો સંપર્ક કર્યો હતો; તે એક મસ્જિદની અંદર છુપાયેલો હતો. કોલ દરમિયાન સુરક્ષા દળોએ તેને સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેણે ઇનકાર કરી દીધો.

કુલગામના એસએસપી (SSP) અનાયત અલીએ જણાવ્યું કે તેમણે પોતે લતીફ ભટ સાથે લાંબી વીડિયો કોલ પર વાત કરી હતી અને તેને હથિયારો હેઠા મૂકીને સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો હતો . તેને ખાતરી આપવામાં આવી હતી કે જો તે શરણાગતિ સ્વીકારશે તો તેનો જીવ બક્ષી દેવામાં આવશે; પરંતુ લતીફે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. કહ્યું- મારે અલ્લાહને મળવું છે. હું ખૂબ ખુશ છું. હું અલ્લાહને જોઈશ. હું સરેન્ડર નહીં કરું

એસએસપીના જણાવ્યા અનુસાર, લતીફ લગભગ રાત્રે ૨:૪૫ વાગ્યે મસ્જિદમાં પ્રવેશ્યા બાદ ગોળીબાર કરવા લાગ્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ તેને બહાર કાઢવા માટે અશ્રુવાયુના ગોળાનો ઉપયોગ કર્યો. સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ સાવચેતી રાખી હતી કે ધાર્મિક સ્થળને કોઈ નુકસાન ન પહોંચે, અને સુરક્ષા દળો દ્વારા મસ્જિદની અંદર કોઈ પણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

લતીફ ભટ બે દિવસ પહેલાં થયેલી એક અથડામણમાં ઘાયલ થયો હતો, પરંતુ ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો. તેણે નિસાર સાથે મળીને 11 નવેમ્બરે નૌપોરા અખરાનમાં CRPFની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. લશ્કર કમાન્ડર આતંકી મોહમ્મદ લતીફ ભટ ઉર્ફે લતીફ બટ પર પોલીસે 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. 22 વર્ષનો લતીફ કુલગામના ખ્રેવાં ચાદેર (અશમુજી)નો રહેવાસી હતો. તે 2025ની શરૂઆતમાં ઘરેથી ગુમ થઈ ગયો હતો. ત્યાર બાદ તેના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પાકિસ્તાનમાં બેઠેલા ઓપરેટિવ સજ્જાદ ગુલે તેને લશ્કર-એ-તૈયબા અને તેના પ્રોક્સી નેટવર્ક TRFમાં ભરતી કર્યો હતો.

એસએસપીએ નોંધ્યું કે લતીફ ભટ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. તે કથિત રીતે પોતાની મેળે જ કટ્ટરપંથી બની ગયો હતો અને જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, પ્રવાસન અને અર્થતંત્રને ખોરવવા માટે સરહદ પારથી સૂચનાઓ મેળવી રહ્યો હતો.

લતીફ ભટ કુલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. હુમલાના એક દિવસ પહેલા—૧૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ—લશ્કર કમાન્ડર લતીફ ભટ અને અન્ય એક આતંકવાદી, ઉમર નિસાર ડાર, કુલગામ જિલ્લાના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ગયા હતા. સુરક્ષા દળોને નિશાન બનાવવાના ઈરાદાથી, આ બંને વ્યક્તિઓએ મીર બજાર, અખરાન, હબલીશ અને કિલમ સહિતના વિવિધ સ્થળોની ઝીણવટભરી રેકી (નિરીક્ષણ) કરી હતી. આતંકવાદી ષડયંત્રના ભાગરૂપે તેમની આ ગતિવિધિઓ સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેના બીજા જ દિવસે, ૧૧ નવેમ્બરે, આ બંને આતંકવાદીઓએ—પહેલેથી ઘડેલી યોજના મુજબ—અખરાન વિસ્તારમાં સીઆરપીએફ (CRPF)ની ચોકી પર અચાનક અને આડેધડ ગોળીબાર કર્યો. ઘટના બાદ તેઓ તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તપાસ બાદ, સુરક્ષા દળોએ મુખ્ય સૂત્રધાર લતીફ ભટની ઓળખ કરી અને તેની વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું.