મકાન માલિકને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
શહેરના સાગવાડી વિસ્તારમાં 11 મહિનાના ભાડા કરારથી આપેલું મકાન કરાર પૂર્ણ થયા બાદ પણ ખાલી નહીં કરી વર્ષોથી કબજો જાળવી રાખ્યાની ફરિયાદ સામે આવી છે. મકાનમાલિક ખેડૂતે માતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. મકાન ખાલી કરવાનું કહેતાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ભોજપરા ગામના ગઢપડી વિસ્તારમાં રહેતા મહાવીરસિંહ આસુભા ગોહિલએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2005ના અંતમાં તેમણે ભાવનગરની જૂની વડવા સીમમાં સાગવાડી તરીકે ઓળખાતી જગ્યાએ રે.સ.નં.244ના પ્લોટ નં.297માં આવેલું 81.70 ચો.મી.ના પ્લોટ પરનું 71.41 ચો.મી. બાંધકામવાળું મકાન ખરીદ્યું હતું.
આ મિલકતનો દસ્તાવેજ નં.3301/2005થી રજિસ્ટર થયો હતો. વર્ષ 2008માં શહેનાઝબેન હાસીમહુસૈન આબેદી અને તેમના પુત્ર સજ્જાદહુસૈન હાસીમહુસૈન આબેદીએ મકાન ભાડે માંગતાં દર મહિને રૂૂા.2 હજાર ભાડું નક્કી થયું હતું. 27 નવેમ્બર 2008થી 26 ઓક્ટોબર 2009 સુધીનો 11 મહિનાનો કરાર કરાયો હતો. જોકે, કરાર પૂર્ણ થયા બાદ મકાન ખાલી કરવાનું કહેવા છતાં માતા-પુત્રે કબજો સોંપ્યો ન હોવાનો આક્ષેપ છે. વારંવાર મકાન ખાલી કરવા કહેતાં બંનેએ ધમકી આપી હતી. શહેનાઝબેને ખોટા છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાં ફરિયાદી મકાન પર જવાનું બંધ કરી દીધું હતું.
અંતે તેમણે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. તપાસ બાદ એસડીએમ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા હુકમ કરાતા બંને સામે નિલમબાગ પોલીસમાં શહેનાઝબેન હાસીમહુસૈન આબેદી અને તેમના પુત્ર સજ્જાદહુસૈન હાસીમહુસૈન આબેદી સામે ફરિયાદ નોંધાવી છે.
