જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરકારી ગૌચરની જમીન પર અનઅધિકૃત રીતે કબજો કરી, વાણિજ્યિક હેતુ માટે હોટલ બનાવાના મામલામાં હોટલ સંચાલક સામે ગુનો નોંધાયો છે. નોટીસ આપ્યા છતાં સરકારી જગ્યા ખાલી નહી કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં સોડવદર ગામના જ રહેવાસી આશીફભાઈ હનીફભાઈ અભેસોરા વિરૂૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામકંડોરણા તાલુકાના સોડવદર ગામના સર્વે નંબર 84 પૈકીની આશરે 150 ચોરસ મીટર સરકારી ગૌચર જમીન પર આરોપી આશીફભાઈ અભેસોરા દ્વારા કોઈ પણ પ્રકારના માલિકી હક્કના આધાર-પુરાવા વિના દબાણ કરવામાં આવ્યું હતું. આરોપીએ આ સ્થળે ’પ્યાસા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ’ નામથી હોટલ બનાવી દીધી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે ધોરાજીના પ્રાંત અધિકારી દ્વારા સુઓમોટો દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ સેલની તપાસમાં દબાણ સ્પષ્ટપણે સાબિત થતાં, રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા ગત 25 જૂનના રોજ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
સરકારી દસ્તાવેજો અનુસાર, ફેબ્રુઆરી 2026માં હોટલ સંચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં તેણે સ્વીકાર્યું હતું કે તે વર્ષ 2023થી આ સરકારી જમીનનો અનઅધિકૃત ઉપયોગ કરી રહ્યો છે. નાયબ કલેક્ટર ધોરાજી દ્વારા માર્ચ મહિનામાં પત્ર પાઠવીને દબાણ હટાવવાની સૂચના આપવા છતાં તેમજ સ્થાનિક તંત્ર દ્વારા અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં, આરોપીએ ગૌચરની જમીન પરથી પોતાનું ગેરકાયદેસર દબાણ હટાવ્યું ન હતું. સરકારી મિલકતનો વ્યાપારી હેતુ માટે થઈ રહેલો આ ગેરકાનૂની વપરાશ બંધ ન થતાં આખરે કાયદાકીય કડક પગલાં લેવાની ફરજ પડી હતી.
આ મામલે જામકંડોરણાના તાલુકા વિકાસ અધિકારી ગૌરવભાઈ ધીરૂૂભાઈ વામજાએ જામકંડોરણા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ધોરાજીના ડીવાયએસપી આર.એ. ડોડીયાએ તપાસનો દોર હાથ ધર્યો છે.
