કૌટુંબિક માસી અને ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી યુવાને પોતે પણ આપઘાત કરી લીધો
નાગેશ્ર્વર પાર્કના સમેત શિખર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સવારના પહોરમાં ખેલાયેલો ખૂની ખેલ
નાગેશ્ર્વરમાં જમીન દલાલે ભાણેજ સાથે પ્રેમ સંબંધ ધરાવતી પત્ની ઉપર ચાર રાઉન્ડ પિસ્તોલમાંથી ફાયરીંગ કરી પોતે પણ લમણે ગોળી ધરબી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જમીન દલાલ અને તેની પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી આ મામલે માથાકુટ ચાલતી હોય જેથી કંટાળી જમીન દલાલની પત્ની પતિને છોડી નાગેશ્વરમાં જ રહેતી સહેલીના ઘરે રહેવા ચાલી ગઈ હતી. આજે સવારે યોગમાંથી પરત આવેલી પત્ની સાથે સમેતશિખર બિલ્ડીંગના પાર્કીંગમાં જ જમીન દલાલે પત્ની ઉપર ચાર રાઉન્ડ ધડાધડ ફાયરીંગ કરી પોતે પણ લમણે ભડાકો કરીને આપઘાત કરી લીધો હતો.
મળતી વિગતો મુજબ, નાગેશ્ર્વરમાં તિર્થ બિલ્ડીંગમાં રહેતાં અને જમીન દલાલનું કામ તેમજ ભાઈ સાથે ગોંડલ રોડ ઉપર ઓમ ઈન્ટરનેશનલ નામે ટ્રેકટરના સ્પેર પાર્ટ અને ટાયર વેચવાનું કામ કરતાં લાલજી રમેશભાઈ પઢીયાર (ઉ.42) જેને પત્ની સાથે મનમેળ નહીં આવતાં પત્ની છેલ્લા દોઢ મહિનાથી નજીકમાં સમેતશિખરમાં રહેતી પૂજા ગગડા નામની મહિલા સાથે રહેતી હોય આજે સવારે નજીકમાં આવેલા સમેતશિખર બિલ્ડીંગના પાર્કીંગમાં પોતાની પત્ની તૃષા લાલજી પઢીયાર (ઉ.39) યોગમાંથી પરત આવી ત્યારે બિલ્ડીંગના પાર્કીંગમાં ધસી આવેલા લાલજીએ પોતાની પરવાના વાળી પિસ્તોલમાંથી પત્ની તૃષા ઉપર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું અને થોડી જ વારમાં પોતાના લમણે પિસ્તોલ રાખી ફાયરીંગ કરી લીધું હતું. ફાયરીંગનો અવાજ આવતાં પાડોશીઓ તથા બિલ્ડીંગના રહેવાસીઓ પાર્કીંગમાં દોડી આવ્યા હતાં. અને 108ને જાણ કરી હતી. જો કે 108નાં સ્ટાફે લાલજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા તૃષાબેનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના મહિલા પીઆઈ મેઘાણી તેમજ પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા, મશરીભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. લાલજીભાઈ પોતે તિર્થ બિલ્ડીંગમાં રહેતાં હોય જ્યારે આ બનાવ સમેતશિખર બિલ્ડીંગમાં બન્યો હતો જેને લઈને પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તૃષાબેનને તેના કૌટુંબીક ભાણેજ એક સંતાનના પિતા પેડક રોડ પર આર્યનગરમાં રહેતા વિશાલ મહેશ ગોહેલ સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ લાલજીને થતાં છેલ્લા દોઢ મહિનાથી બન્ને વચ્ચે ઝઘડા શરૂ થયા હતાં. આ ઝઘડાથી કંટાળી તૃષા તિર્થ બિલ્ડીંગમાં રહેતા પોતાના પતિ લાલજીને છોડી સમેતશિખર એપાર્ટમેન્ટમાં રહેતી તેની સહેલી પૂજા ગગડાના ઘરે રહેવા આવી ગઈ હતી. આજે સવારે તે યોગમાંથી પરત પૂજાના ઘરે પાર્કીંગમાં પોતાનું વાહન પાર્ક કરીને જતી હતી ત્યારે જ લાલજીએ આ ખૂની ખેલ ખેલ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ તૃષા અને લાલજીના લગ્નને 18 વર્ષ થયા છે અને સંતાનમાં એક પુત્ર ઓમ પઢીયાર છે જે મારવાડી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. મૃતક લાલજી બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. તેના પિતા નિવૃત્ત છે જ્યારે માતા જયાબેન ઘર કામ કરે છે. લાલજી અને તેના ભાઈ અરવિંદ બન્ને ગોંડલ રોડ પર ઓમ ઈન્ટરનેશનલ નામે ટ્રેકટરના સ્પેર પાર્ટ અને ટાયરના વેચાણ કરે છે. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
દોઢ મહિના પૂર્વે વિશાલ અને તૃષા રેસકોર્સ ગાર્ડનમાં રંગેહાથ પકડાયા બાદ કંકાશ શરૂ થયો
પોલીસની પ્રાથમિક તપાસમાં આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે. તૃષા લાલજી પઢીયાર (ઉ.39)ને તેના ફૈબાની પુત્રીનો પુત્ર એટલે કે ભાણેજ વિશાલ મહેશ ગોહેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. વિશાલ પોતે પણ પરિણીત છે અને સંતાનમાં તેને એક પુત્ર છે. તૃષા અને વિશાલ બન્ને ચોરી છુપીથી મળતાં હતાં. ગત તા.4-10-2025ના રોજ શનિવારે રેસકોર્ષના લવ ગાર્ડનમાં પત્ની તૃષા અને તેના કૌટુંબીક ભાણેજ વિશાલને લાલજીએ રંગેહાથ પકડી લીધા હતાં. તે વખતે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો ત્યારબા તૃષાએ તેના પતિ સામે પોલીસમાં અરજી કરી હોય જેમાં પોલીસે લાલજીની ધરપકડ પણ કરી હતી. તો સામે પક્ષે પુત્ર ઓમે તેની માતા સામે પોલીસમાં અરજી કરી હતી. આમ છેલ્લા દોઢ મહિનાથી ચાલતા આ પારિવારીક ઝઘડાનો અંતે કરૂણ અંજામ આવ્યો હતો.
તૃષાની સહેલી પૂજાના પુત્રને લાલજીના પરિવારે બિલ્ડીંગના પાર્કિંગમાં માર માર્યો
આ ઘટના બન્યા બાદ સમેતશિખર બિલ્ડીંગમાં રહેતી તૃષા પઢીયારની સહેલી પૂજા ગગડાએ આ ઘટના બાદ પાર્કીંગમાં પોલીસ તથા લાલજીના પરિવારજનો આવી પહોંચ્યા હોય ત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે પૂજાએ પોતાના પુત્રને નીચે તપાસ કરવા માટે મોકલ્યો હતો. ફાયરીંગની ઘટનામાં લાલજીનું મોત થયું હોય ત્યારે તેની માતા જયાબેન અને લાલજીની બહેન સહિતના પરિવારજનોં ત્યાં દોડી આવ્યા હોય પૂજાનો પુત્ર ઘટના બાદ ત્યાં નજરે ચડતાં લાલજીના માતા અને બહેન સહિતના પરિવારે તેની ધોલાઈ કરી નાખી હતી. જયાબેને પોતાની પુત્રવધૂને તેની સહેલી પૂજા ચડામણી કરી લાલજી સાથે છુટાછેડા લેવા માટે તેને અવારનવાર કહેતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ ઘટના પાછળ પૂજા જવાબદાર હોવાનો આક્ષેપ કરી તેના પુત્રની ધોલાઈ કરી હતી. જો કે પોલીસે પૂજાના પુત્રને છોડાવી ત્યાંથી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.
તૃષા મકાનનો દસ્તાવેજ અને સોનું લઈ સહેલીના ઘરે રહેતી હતી
બે પરિવારો વચ્ચે ચાલતા કૌટુંબીક ઝઘડામાં પતિ લાલજીએ પોતાની પત્ની તૃષા ઉપર કરેલા ફાયરીંગના બનાવમાં મૃતક લાલજીના પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું કે તૃષાને તેના કૌટુંબીક ભાણેજ વિશાલ સાથે પ્રેમ સંબંધ હોય જે અંગેની જાણ થતાં લાલજી અને તૃષા વચ્ચે ઝઘડા શરૂ થયા હતાં. ત્યારે તૃષા પોતાના પતિ લાલજીને છોડીને નજીકમાં સમેતશિખર એપાર્ટમેન્ટમાં રહેતી તેની સહેલી પૂજા ગગડા સાથે રહેવા ચાલી ગઈ હતી. તૃષા સહેલી સાથે રહેવા ગઈ ત્યારે લાલજીના તિર્થ એપાર્ટમેન્ટના ફલેટનો દસ્તાવેજ અને સોનુ પણ સાથે લઈ ગઈ હોવાનું પરિવારે જણાવ્યું હતું.
લાલજી અપનાવવા તૈયાર હતો છતાં તૃષા માની નહીં : પરિવારનો આક્ષેપ
જમીન દલાલ લાલજી રમેશ પઢીયાર અને તેની પત્ની તૃષા વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી મનમેળ ન હતો. પોતાના જ કૌટુંબીક ભાણેજ સાથે પ્રેમ સંબંધ ધરાવતી તૃષાની આ પ્રેમલીલા લાલજીએ રંગેહાથ પકડી લીધા બાદ બન્ને વચ્ચે ઝઘડા શર થયા હતાં. મૃતક લાલજીના માતા અને બહેનના જણાવ્યા અનુસાર પુત્રવધૂ તૃષા પોતાના પુત્રને તરછોડી સહેલીના ઘરે રહેતી હતી. ત્યારે લાલજીએ પોતાનો ઘર સંસાર બગડે નહીં તે માટે તૃષાને સમજાવી આ મામલે બધુ ભુલી જઈ તેને અપનાવવા માટે તૈયાર હતો અને તૃષાને ફરીથી પોતાના તિર્થ એપાર્ટમેન્ટ ખાતેના ફલેટે રહેવા આવી જવા માટે તેણે અનેક વખત સમજાવી હતી. છતાં પણ તૃષા કોઈ વાતે માનવા તૈયાર ન હતી અને તેણે લાલજીને છોડી સહેલી પૂજા સાથે રહેવાનું ચાલુ રાખ્યું હોવાનો આક્ષેપ લાલજીના પરિવારે કર્યો હતો.

