દાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યું

ભારત છોડીને લંડન ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ને હાસ્યાસ્પદ દાવા કર્યા છે. મોદીનું…

ભારત છોડીને લંડન ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ને હાસ્યાસ્પદ દાવા કર્યા છે. મોદીનું કહેવું છે કે, પોતે ’ભાગેડુ’ નથી પણ મીડિયા દ્વારા પોતાના માટે ’ભાગેડુ’ શબ્દ વાપરવામાં આવે છે તેથી પોતાના પર ’ભાગેડુ’નું લેબલ લાગી ગયું છે. લલિત મોદીના દાવા પ્રમાણે, પોતે આઈપીએલમાં ફિસિગ સામે બાંયો ચડાવી તેના કારણે અકળાયેલા દાઉદે પોતાના પર ત્રણ વાર ફાયરિંગ કરાવેલું ને મારા દીકરાનું અપહરણ પણ કરાવેલું. લલિત મોદીએ દાઉદના માણસ બાબા કઈ રીતે તેને મળ્યો અને તેને પોતાના સટ્ટાબજારમાં સામેલ કરવાની કોશિશ કરી ત્યાંથી માંડીને પોતે ના પાડી પછી શું થયું ત્યાં સુધીની લાંબીલચ્ચક પારાયણ કરી છે.

લલિત મોદીએ એવી ડંફાશ પણ મારી છે કે, પોતે કોઈનાથી દૂર ભાગી રહ્યા નથી પણ મારી મરજીથી હું આખી દુનિયામાં ફરી રહ્યો છું. ભારત સરકારની પહોંચ બહુ છે એ જોતાં હું ભાગતો હોત તો ક્યાંક ને ક્યાંક મને ઝડપી જ લીધો હોત. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ લલિત મોદી સામે આઈપીએલના પ્રસારણ અધિકારો અને સ્પોન્સરશિપમાં કરોડોની હેરાફેરીનો આક્ષેપ કર્યો હતો. બીસીસીઆઈએ દાવો કર્યો હતો કે, લલિત મોદીએ પાંચ કરોડ ડોલરથી વધારે રકમ સગેવગે કરી નાખીને બોર્ડનું કરી નાખ્યું છે. બોર્ડે સત્તાવાર રીતે આ આક્ષેપ કર્યો પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તપાસ શરૂૂ કરી, લલિત મોદીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફઈએમએ) અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોટિસ પણ અપાઈ.

લલિત મોદીને લાગ્યું કે, આ બધી તપાસમાં પોતે ભેરવાઈ જશે એટલે એ રેલો પોતાના પગ તળે આવશે એટલે ભારત છોડીને ભાગી ગયો. લલિત મોદી હવે પોતાના જાકુબીના ધંધા પર ઢાંકપિછોડો કરવા માટે દાઉદ પર દોષારોપણ કરે છે એ સાંભળીને હસવું? આવે છે. દાઉદે મોદીના દીકરાનું અપહરણ કરાવ્યું તેની સામે મોદીએ પોલીસ ફરિયાદ ના કરી એ સમજી શકાય પણ મોદીને ક્રિકેટના કારભારથી અલગ થવાનું કારણ દાઉદ હતો એ વાત? કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી છે. લલિત મોદી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા પછી બીસીસીઆઈએ તપાસ સમિતિ રચી હતી. આ તપાસ સમિતિએ મોદી સામે પ્રાથમિક રીતે ભ્રષ્ટાચારના પુરાવા હોવાનું કહ્યું પછી બોર્ડે જ તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો છે.