ચોટીલા નગરપાલિકામાં પ્રમુખ પદે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદે ખાચર બિનહરીફ

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને પાવન યાત્રાધામ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક જન્મભૂમિ એવા ચામુંડાધામ ચોટીલા નગરપાલિકામાં આજે પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ…

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને પાવન યાત્રાધામ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ઐતિહાસિક જન્મભૂમિ એવા ચામુંડાધામ ચોટીલા નગરપાલિકામાં આજે પ્રથમ અઢી વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત વરણીમાં પ્રમુખ તરીકે લલિતકુમાર જાદવ તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રતાપભાઈ ખાચરની બિનહરીફ વરણી થતાં જ સમગ્ર ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.

ચોટીલા નગરપાલિકાના કુલ 6 વોર્ડ પૈકીના પાંચ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 20 સદસ્યો અને એક વોર્ડમાંથી કોંગ્રેસના 4 સદસ્યો ચૂંટાઈ આવેલા છે. મંગળવારના રોજ પાલિકાના સભાખંડ (મીટીંગ હોલ) ખાતે તમામ સદસ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાઈ હતી. આ પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે સ્ટેમ્પ ડ્યુટી સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર પ્રિતીબેન પટેલ તથા ચીફ ઓફિસર વિપુલભાઇ પનારા ઉપસ્થિત રહ્યા હતા. નિયત સમય મર્યાદામાં પ્રમુખ પદ માટે લલિતકુમાર જાદવ અને ઉપપ્રમુખ પદ માટે પ્રતાપભાઈ ખાચરનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થતાં, ચૂંટણી અધિકારી દ્વારા બન્ને આગેવાનોને સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

વિકાસ કાર્યોની પ્રાથમિકતા નો સૂર હોદ્દો સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ લલિતકુમાર જાદવે મિડીયા સમક્ષ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, શહેરમાં નિયમિત પીવાનું પાણી, પૂરતી સ્ટ્રીટ લાઈટ અને સચોટ સફાઈ વ્યવસ્થાને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવશે. આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી તમામ વિકાસલક્ષી ગ્રાન્ટ અને યોજનાઓનો લોકહિતમાં સીધો અમલ કરીને વિકાસ કાર્યોને વેગવંત બનાવવામાં આવશે.

નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પદભાર સંભાળતાની સાથે જ જગતજનની મા ચામુંડાના જયઘોષ સાથે પોતાના હોદ્દાનો ચાર્જ સ્વીકાર્યો હતો. આ વરણીને વધાવવા માટે ભાજપના આગેવાનો શૈલેષભાઈ રાજવીર, જયદીપભાઈ ખાચર, રવિભાઇ ખાચર સહિતના વિવિધ મોરચાના હોદ્દેદારો, ચેમ્બર્સ ઓફ કોમર્સના અગ્રણી રણજીતસિંહ ચૌહાણ, મુકેશભાઇ શાહ સહિતનાં વેપારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નવનિયુક્ત સુકાનીઓને ફૂલહાર પહેરાવી તેમજ મોં મીઠા કરાવીને શુભેચ્છા પાઠવી હતી.