કુલદીપના લગ્નમાં દિગ્ગજ ક્રિકેટરો, રાજકારણીઓનો જમાવડો
ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી કુલદીપ યાદવે પોતાની જિંદગીની નવી ઇનિંગની શરૂૂઆત કરી છે. 31 વર્ષના સ્પિનરે મસૂરીમાં પોતાની બાળપણની મિત્ર વંશિકા ચઢ્ઢા સાથે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા. મંગળવારે લખનઉમાં પોતાના લગ્નના રિસેપ્શનનું આયોજન કર્યું. તેમાં ઘણા રાજકીય નેતાઓ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા. લખનઉના ધ સેન્ટ્રમમાં યોજાયેલા ભવ્ય રિસેપ્શનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર જેવા નામી વ્યક્તિઓ પહોંચ્યા હતા. કુલદીપના ઘણા સાથી ખેલાડી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રવીન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંતની સાથે પૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન પણ સામેલ હતા.
જાડેજા પોતાની પત્ની રિવાબા સાથે કાર્યક્રમમાં પહોંચ્યો અને એક ભાવુક પળમાં કુલદીપ અને વંશિકાએ તેના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. રિવાબાએ આશીર્વાદ આપતા કુલદીપ યાદવના ઓવારણાં લીધા હતા. આમ આ ભવ્ય કાર્યક્રમમાં પણ ગુજરાતી સંસ્કૃતિના દર્શન થયા અને ઉપસ્થિત લોકો જોતા રહ્યા હતા.
આ પ્રસંગે બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ઉત્તર પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને રાજ્ય મંત્રી એ.કે. શર્મા પણ સામેલ રહ્યા હતા. મધુર શાસ્ત્રીય સંગીતના માહોલમાં આ રિસેપ્શનમાં રાજનીતિ અને રમતના જગતની મોટી હસ્તીઓ એકસાથે જોવા મળી અને ઉત્સવનો માહોલ સર્જાયો હતો.

