‘જ્ઞાન સહાયક’ ભરતીનો ધમધમાટ: 11 માસના કરાર માટે અરજી પ્રક્રિયા શરૂ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ‘જ્ઞાન સહાયક યોજના’ અંતર્ગત સત્તાવાર ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.…

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ‘જ્ઞાન સહાયક યોજના’ અંતર્ગત સત્તાવાર ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવશે, જેના માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની જ્ઞાન સહાયક યોજના અંગે નવો ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં ઘણા મહત્ત્વના ફેરફાર કર્યા છે. આ ફેરફાર કર્યા બાદ હવે સમગ્ર શિક્ષા અભિયાન કચેરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક યોજના હેઠળ જ્ઞાન સહાયકની ભરતી માટેની કાર્યવાહી ગુરુવારથી શરૂૂ કરી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત બે અલગ-અલગ કેડર માટે અરજી મગાવી છે. જેમાં માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકે પસંદગી પામનાર ઉમેદવારને માસિક રૂૂ. 24,000 નું મહેનતાણું ચૂકવાશે અને તેના માટે વયમર્યાદા 48 વર્ષ નક્કી કરી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક માટે સફળ ઉમેદવારને માસિક રૂૂ. 26,000નું મહેનતાણું મળશે અને અરજી કરવાની વયમર્યાદા 50 વર્ષ રાખી છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર, પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર જ અરજી કરવા પાત્ર ગણાશે. જો પ્રથમ તબક્કા બાદ પણ જગ્યા ખાલી રહેશે, તો જ્ઞાન સહાયકની શૈક્ષણિક લાયકાત મુજબ અન્ય વર્ષમાં ઝઅઝ પાસ કરનારા અને જો ત્યારબાદ પણ બેઠક ખાલી રહેશે તો માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક-વ્યવસાયિક સ્નાતક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શૈક્ષણિક અનુસ્નાતક સાથે વ્યવસાયિક સ્નાતકની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારની અરજી સ્વીકારવાની આગળની કાર્યવાહી કરાશે.

આ જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂૂ થઈ છે અને ઉમેદવાર 15 જુલાઈ સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરી છે. ઓનલાઈન અરજીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 18 જુલાઈએ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ 20 જુલાઈએ પ્રથમ રાઉન્ડ માટે દસ્તાવેજ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્યારબાદ 22 જુલાઈએ બીજા રાઉન્ડ અને 24 જુલાઈએ ત્રીજા રાઉન્ડની કાર્યવાહી થશે. ભરતીની ઈચ્છા ધરાવતા ઉમેદવારે પોર્ટલ પર જઈને ઓનલાઈન માધ્યમથી જ અરજી સબમિટ કરવાની રહેશે.