અમરેલી
પ્રેમી સાથે પ્રેમિકાને મળવા ગયેલા નિર્દોષ મિત્રની હત્યા
રાજુલામાં ચોંકાવનારી ઘટના, પરિવારજનો જાગી જતા બંન્ને પર હુમલો કરાયો: પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો: આરોપીને પકડવા જુદી-જુદી ટીમો બનાવાઇ
રાજુલા પંથકમાં ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 33 વર્ષીય મનુ ઉર્ફે મામયો મકવાણા નામના વ્યક્તિને પોતાના મિત્ર સાથે જવું ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. નાગ વણઝર નામનો મિત્ર પોતાની પરિણીત પ્રેમિકાને મળવા જતા સમયે પોતાના જ ગામના મનુ મકવાણાને સાથે રાખતા પરિણીત પ્રેમિકાના પરિવારજનોએ બંને મિત્રો પર હુમલો કરતા હુમલામાં નિર્દોષ મનુ મકવાણાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.
33 વર્ષીય મનુ ઉર્ફે મામયો મકવાણા નામના વ્યક્તિની લાકડી તેમજ પાઇપ વડે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મનુ ઉર્ફે મામયો પોતાના મિત્ર નાગ વણઝરને એકતા લાખણોત્રા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેથી એકતા લાખણોત્રા દ્વારા પોતાના પ્રેમી નાગ વણઝરને ગત 21 તારીખના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામ ખાતે મળવા બોલાવ્યો હતો.
ત્યારે મરણ જનાર મનુ પોતાના મિત્ર સાથે ગયો હતો. ત્યારે એકતા લાખણોત્રા, કનુ લાખણોત્રા, નાગ વાઘ તેમજ 5 અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મનુ તેમજ તેના મિત્ર નાગ વણઝર પર હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં નાગ વણઝર નાસી ગયો હતો. ત્યારે કે તેનો મિત્ર મનુને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે તેને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ત્યારબાદ વધુ સારવાર અર્થે મહુવા અને આખરે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો.
પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકના 65 વર્ષીય પિતા ભોપા મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દીકરો મનુ પીપાવાવ પોર્ટમાં શ્રીજી ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો. તેમજ તે અપરિણીત હતો. 21 તારીખના રોજ રાત્રે જમ્યા બાદ દીકરાએ કહ્યું હતું કે, હું પીપાવાવ ડ્રાઇવિંગ કરવા જાઉં છું. સવારના 22 તારીખના રોજ દીકરાને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ થોડીવાર બાદ 108 એમ્બ્યુલન્સ વાળાએ ફોન ઉપાડીને કહ્યું હતું કે, બારપટોળી જવાના રસ્તે ઈજાગ્રસ્ત હાલતમાં ફોન મળી આવેલ વ્યક્તિ મળી આવી છે. જેને સારવાર અર્થે રાજુલા સરકારી દવાખાને લાવેલ છે. ત્યારબાદ ભાવનગરની ખાનગી હોસ્પિટલ અને આખરે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવતા દીકરાને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે તપાસ કરતાં નાગ વણઝરે જણાવ્યું હતું કે, મારે જૂની બારપટોળી ગામ ખાતે રહેતી અમીર ભગતની દીકરી એકતા સાથે પ્રેમ સંબંધ હોય તેમ જ એકતા સાથે મારે ફોનમાં વાત ચાલુ થતા તે અવારનવાર મને મળવા બોલાવતી હતી. જેથી હું અને મનુ મારું મોટરસાયકલ લઈને એકતાને મળવા માટે ગયા હતા. ત્યારે એકતા તથા તેના મળતીયાઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને રસ્તામાં અમને બંનેને રોકીને લાકડી તેમજ લોખંડના પાઇપ સાથે અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો. હું બીકના માર્યા અંધારામાં ખેતરમાં ભાગવા લાગ્યો હતો. પરંતુ તે લોકો મનુને માર મારતા હોય તેમજ મનુ અવાજ કરતો હોય તેવું મને સંભળાયું હતું. આમ એકતા તેમજ એકતાના કૌટુંબિક ભાઈ કનુ લાખણોત્રા તેમજ એકતાના કૌટુંબિક દિયર નાગ વાઘ તેમજ અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કરતા મનુનું મૃત્યુ નીપજ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નાગ વણઝર અગાઉ સુરત ખાતે હીરા ઘસવાનું કામકાજ કરતો હતો. તેમજ છેલ્લા કેટલાય સમયથી તે જામકા ખાતે પરત આવ્યો છે. તેમજ પીપાવાવ ખાતે ડ્રાઇવિંગના કામકાજની શોધખોળમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવ સંદર્ભે રાજુલા પોલીસની જુદી-જુદી ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી શોધખોળ આરોપીઓની ચાલી રહી છે.