ગુજરાત

કંગાળ બનતી જતી ખંભાળિયા નગરપાલિકા: વીજળીનું બાકી બિલ રૂ. 1.15 કરોડ સુધી પહોંચ્યું

Published

on

ખંભાળિયા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક રીતે ખેંચની પરિસ્થિતિ વચ્ચે વીજ બિલ ભરવાના નાણા પણ ન હોવાથી આ બાબત ભારે ચર્ચામાં આવી છે. સાથે સાથે આગામી સમયમાં કેટલાક મુદ્દે વિકટ પરિસ્થિતિ સર્જાય તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

ખંભાળિયા શહેરમાં સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્ક્સનું બાકી વીજ બિલ ત્રણેક માસમાં લગભગ દોઢ ગણું થઈ ગયું છે. અને હાલ બાકી વીજ બિલની રકમ રૂપિયા 1.15 કરોડ સુધી પહોંચતા નગરપાલિકા આર્થિક મુશ્કેલીમાં હોય તેવું ચિત્ર ખડું થયું છે.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા તેમના કર્મચારીની લાખો રૂપિયાની જી.પી.એફ. તેમજ રોજમદારોની ઈ.પી.એફ.ની રકમ તેમના ખાતામાંથી કપાયા પછી સરકારી સંસ્થાઓમાં જમા ન થતા જે-તે સમયે આ મુદ્દે કર્મચારીઓ દ્વારા ઉપવાસ આંદોલન થયું હતું. જે પૈકી પાલિકા દ્વારા કર્મચારીઓની કપાત થયેલી કેટલીક રકમ ભરી દેવામાં આવી છે. આ મુદ્દે થોડા સમય પહેલા જ પાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, લાઈટ બિલ ભરવા માટે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ પાસે લોન માંગવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જો કે આ દરખાસ્ત હજુ મંજૂર થઈ નથી.

એક તરફ પાલિકા દ્વારા બાકીદારો પાસેથી કરવેરાની વસુલાત ખૂબ જ ઓછી થઈ રહી છે. લાખો રૂપિયાના બાકીદારો તેમનો વેરો ભરતા નથી અને કરવેરામાં પણ છેલ્લા દોઢેક દાયકાથી વધારો થયો નથી. જેના પરિણામે દર મહિને કર્મચારીઓના પગારમાં પણ મુશ્કેલી થાય છે. આટલું જ નહીં, નગરપાલિકાના પાણી માટે સિંચાઈ વિભાગને પણ કરોડો રૂપિયાની રકમ ચૂકવવાની બાકી છે. ત્યારે દાયકાઓ પૂર્વે એક વખતની રાજ્યમાં સૌથી નાણાકીય રીતે સધ્ધર મનાતી બીજા નંબરની નગરપાલિકા હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે.

અગાઉ વહીવટદારના શાસનમાં કરોડો રૂપિયાની બેંક બેલેન્સ ધરાવતી નગરપાલિકાની હાલની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ છે. આ વચ્ચે આગામી તારીખ 30 નવેમ્બર સુધીમાં સફાઈ કામદારો સાથે થયેલા સમાધાન મુજબ તેઓની રકમ પણ જમા કરાવવી અનિવાર્ય છે. જેથી મુશ્કેલી ઊભી થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

ત્યારે આ ગંભીર મુદ્દે ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાની પરિસ્થિતિ સુધારવા માટે રાજકીય આગેવાનો કંઈ નક્કર કાર્યવાહી કરશે ? તે મુદ્દો પણ સુજ્ઞ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version