પિતાજીનું કડિયા કામ છોડાવી સીઆઈએસએફમાં જોડાઈને દેશ સેવામાં યોગદાન આપવા કમર કસી છે પિન્ટુબેન કણજારિયાએ
દિલ્હી સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં કોઈપણ વ્યક્તિ આવે તેનું ત્યાં રહેલ સિક્યોરિટી ચેકિંગ કરે. કોઈ એમ્પ્લોઈ હોય, કોઈ વીઆઇપી હોય કે પછી કોઈ મુલાકાતી હોય તેનું કડકપણે ચેકિંગ કરવામાં આવે છે. આ એ વિસ્તાર છે જ્યાં અમિત શાહ પોતાની મીટિંગ કરતા હોય છે તો બાજુના બિલ્ડિંગમાં જ નાણાંમંત્રી નિર્મલા સીતારામન પણ આવે છે.વીવીઆઈપીના આ વિસ્તારની સિક્યોરિટીની જવાબદારી પણ ગંભીર હોય છે.આ સિક્યોરિટીની ટીમમાં ગુજરાત અને મોરબીની એક દીકરી પણ પોતાની ફરજ નિભાવી રહી છે. મોરબીથી ઇન્ડિયા ગેટની તેની સફર સંઘર્ષથી ભરેલી છે છતાં ખૂબ પ્રેરણાદાયી છે.જે દીકરી દસ પાસ હોય ,આગળ ભણવાની આર્થિક વ્યવસ્થા ન હોય અને છતાં અર્ધલશ્કરી દળ એટલે કે પેરામિલિટરી ફોર્સની પરીક્ષા આપી,ટ્રેનિંગ લઈને દેશ સેવામાં પોતાનું નામ નોંધાવે તે કંઈ નાની સૂની સફળતા નથી.આ દીકરી એટલે મોરબીના પિન્ટુબેન કણજારિયા.
મોરબીમાં જન્મ અને 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.આર્થિક પરિસ્થિતિના કારણે ભણવાના બદલે નોકરી કરવાનું પસંદ કર્યું.પાંચ દીકરીઓને માતા દયાબેન અને પિતા મનજીભાઈ કણજારિયા પોતાની રીતે સુખી કરવાનો પ્રયત્ન કરતા હતા.બીજા નંબરની દીકરી પેરેલાઇઝ હોવાથી તેની સારવાર અને સાચવણની જવાબદારી વધતી.ચોથા નંબરની દીકરી એટલે પિન્ટુબેન જે હંમેશા કડિયા કામ કરતા પિતાને જોઈને વિચારતા કે ક્યારે હું મારા પિતાનું આ કામ છોડાવીને આરામ આપું. કઈ રીતે બહેનોને એક સગવડદાયક જીવન આપું. બાળપણમાં અનેક સંઘર્ષ જોયા.અભ્યાસને છોડીને આવક માટે કામ કર્યું.જીવન સંઘર્ષ બાબત તેઓએ જણાવ્યું કે લાઇફમાં ડગલે ને પગલે સંઘર્ષનો સામનો કર્યો છે કઈ તકલીફ વર્ણવું અને કઈ મુશ્કેલી યાદ રાખું.આર્મીમાં જવાનો વિચાર હતો પરંતુ હાઈટ ઓછી પડી. થોડા સમય બાદ કાકાના દીકરાના સૂચન મુજબ પેરા મિલિટરી ફોર્સમાં એપ્લાય કર્યું.પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળતા મળી પણ હારને સ્વીકારવી પાલવે તેમ નહોતું.
ફરી વાર એક્ઝામ આપી પાસ કરીને દેખાડ્યું. પાસ થયા ત્યારબાદ તામિલનાડુ ખાતે મેડિકલ ચેકિંગ અને ટ્રેનિંગ શરૂૂ થઈ. પેરા મિલિટરી ફોર્સ એટલે કે અર્ધલશ્કરી દળ છતાં ટ્રેનિંગ લશ્કરી દળ જેવી કઠિન જ હોય છે છતાં ટ્રેનિંગ પૂરી કરી. જ્યારે ટ્રેનિંગ પૂરી થાય ત્યારે પોસ્ટિંગ પોતાના વતનથી દૂર આપવામાં આવે છે. જમ્મુની એક યુવતીને ચેન્નઈમાં પોસ્ટિંગ મળ્યું અને મને દિલ્હી જીબીએસ એટલે કે ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટીમાં પોસ્ટિંગ મળ્યું. આ એ જગ્યા છે જ્યાં અમિત શાહ સહિત વીઆઈપી ઓની મીટિંગ હોય છે અને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. હજુ છ થી સાત વર્ષ મારે દિલ્હીમાં પસાર કરવાના થશે અને પછી હોમ ઝોન એટલે કે વતનની નજીક પોસ્ટિંગ થશે. આ ટ્રેનિંગ પૂરી થયા બાદ બેઝિક કમાન્ડો કોર્સ હતો જે અતિશય કઠિન હોય છે જંગલમાં કેમ્પમાં રહેવાનું, ચાલવાનું, ટાઢ, તડકો, વરસાદનો સામનો કરવાનો,ઊંઘ વિના મર્યાદિત ભોજન સાથે ઘડિયાળના ટકોરે ચાલવાનું એ બધું મજબૂત બનાવનાર હતું.
હાલ તેઓ ઓડીસાના મંડલી ગામમાં છે. જ્યાં સીઆઇએસએફના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે.આ ઉજવણી દર વર્ષે જુદી જુદી જગ્યાએ થતી હોય છે. આ કાર્યક્રમમાં વીવીઆઈપી આવતા હોય છે અને ખૂબ જાજરમાન કાર્યક્રમ હોય છે.નોકરી દરમિયાન 45 દિવસની રજા મળતી હોય છે પરંતુ તેમાં પણ ગમે ત્યારે ઇમર્જન્સી માટે બોલાવી લેવામાં આવે તો તે માટે પણ તૈયાર રહેવું પડતું હોય છે. મોરબીથી દિલ્હી સુધીની તેમની આ યાત્રામાં અનેક સંઘર્ષો છે આમ છતાં મંઝિલ પ્રાપ્ત કરવાની ખુશી પણ છે.ટ્રેનિંગ જ્યારે પૂરી થઈ ત્યારે પાસિંગ આઉટ પરેડ સમયે તેણે મમ્મી-પપ્પાને બોલાવ્યા અને પ્રથમ વખત ફ્લાઇટમાં બેસાડ્યા ત્યારે માતા-પિતા પર દીકરી માટેનો ગર્વ ચહેરા પર દેખાતો હતો જે કોઈ મેડલથી કમ નહતો.
પોતાના સ્વપ્ન બાબત તેઓએ જણાવ્યું કે પાંચ વર્ષની નોકરી પછી એલઆરડીની પરીક્ષા આપી શકાતી હોય છે જેને પાસ કર્યા બાદ સબ ઇન્સ્પેક્ટર એસઆઇ બની શકાય છે તેમાં ગ્રેજ્યુએશનની જરૂૂર હોય છે તેથી હું તે પરીક્ષા આપી દઈશ.હજુ ઘણું આગળ વધવાનું છે. પિતાજીને કામ છોડાવી આરામ કરાવવાનું એક સ્વપ્ન સાકાર થઈ ગયું છે તેમના અન્ય સ્વપ્નાઓ પણ સાકાર થાય તેવી શુભેચ્છાઓ.
સપના જુઓ અને સાચા કરવા મંડી પડો
નાની ઉંમરે મોટો સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે સપના જુઓ અને તેને સાચા કરવા માટે પ્રયત્ન પણ કરો. દિલથી, હિંમતથી મહેનત કરશો તો જરૂૂર તમારી મંઝિલ સુધી પહોંચી શકશો. મને પણ એક વખત હાઈટના કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં એક્સરસાઇઝ કરી કરી ને મેં 2 સેન્ટિમીટર હાઈટ વધારી માટે એટલું જ કહેવાનું કે પરિસ્થિતિ કોઈપણ આવે હાર્યા વગર પ્રયત્ન કરતા રહો.
આ રીતે કામગીરી કરે છે અર્ધલશ્કરી દળ
તેઓ જણાવે છે કે અર્ધલશ્કરી દળ સિક્યુરિટીની કામગીરી ખૂબ સુંદર રીતે પાર પાડે છે. હાલમાં તેની માંગ ખૂબ છે. ગવર્મેન્ટની પ્રોપર્ટી હોય કે મોટા ઉદ્યોગો હોય કે પછી એરપોર્ટ હોય દરેક જગ્યાએ પેરા મિલિટરી ફોર્સ તૈનાત હોય છે.

