Site icon Gujarat Mirror

જુનાગઢનો દામોદાર કુંડ સફાઇ માટે બંધ

જૂનાગઢમાં આવેલું અને પિતૃઓના મોક્ષ માટે પરમ પવિત્ર મનાતું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આગામી બે દિવસ 21 અને 22 એપ્રિલના દિવસના ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને કુંડની સ્વચ્છતા અને જાળવણી માટે લેવાયો છે. આ વિશાળ જનમેદનીને કારણે કુંડના પાણી અને આસપાસના ઘાટ પર સફાઈની તાતી જરૂૂરિયાત ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પુરાણો મુજબ, આ કુંડમાં સ્નાન કરવાથી અને પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

તાજેતરમાં જ પૂર્ણ થયેલા ચૈત્ર માસ દરમિયાન ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન જેવી ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડ્યા હતા.દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 અને 22 એપ્રિલના રોજ કુંડના ઘાટ પર થતી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે પિતૃ તર્પણ અને પૂજા-અર્ચના સંપૂર્ણપણે બંધ રહેશે. આ બે દિવસો દરમિયાન કુંડના તળિયાની ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવશે અને વર્ષોથી જમા થયેલો કાંપ તેમજ અન્ય કચરો દૂર કરવામાં આવશે. ત્યારબાદ 23 એપ્રિલના રોજ કુંડમાં નવું અને શુદ્ધ નીર ભરવામાં આવશે અને ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે તીર્થ ખુલ્લું મૂકવામાં આવશે.

આ સફાઈ પાછળનું એક મહત્વનું કારણ આગામી સમયમાં આવતો પુરુષોત્તમ માસ પણ છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ હોય છે અને તે સમયે અહીં આવનારા યાત્રિકોની સંખ્યામાં અનેકગણો વધારો થતો હોય છે. આ પવિત્ર માસની શરૂૂઆત પૂર્વે કુંડની પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે અત્યારથી જ આ આયોજન કરવામાં આવ્યું છે.

Exit mobile version