જસદણનો ટ્રાવેલ્સ સંચાલક પિસ્તોલ સાથે ઝડપાયો

જસદણ નજીકથી રાજકોટ રેન્જની ટીમ દ્વારા હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ મુકામે આવેલી ગઢડીયા ચોકડી પાસેથી ટ્રાવેલ્સ સંચાલકને દેશી…

જસદણ નજીકથી રાજકોટ રેન્જની ટીમ દ્વારા હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જસદણ મુકામે આવેલી ગઢડીયા ચોકડી પાસેથી ટ્રાવેલ્સ સંચાલકને દેશી બનાવટની પિસ્તોલ સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પુછપરછમાં ચોટીલાના નામચીન શખ્સનું નામ ખુલ્યુ છે.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જની ટીમ દ્વારા જસદણ મુકામે આવેલી ગઢડીયા ચોકડી પાસેથી ટ્રાવેલ્સ સંચાલક ઉદયરાજ દીલીપભાઈ ધાધલની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી દેશી બનાવટની 1 નંગ પિસ્તોલ કિંમત રૂૂપિયા 10,000 અને રૂૂપિયા 60,000 ની કિંમતના મોબાઈલ ફોન તેમજ રૂૂ.4 લાખ ની કાર મળીને કુલ રૂૂપિયા 4,70,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઉદયરાજ દીલીપભાઈ ધાધલની પુછપરછમાં આ ગુનામાં અન્ય એક આરોપી ચોટીલાના પ્રદીપભાઈ અનકભાઈ કરપડા નું નામ પણ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર મામલે જસદણ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) તથા 29 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિક સ્તરે બિનકાનૂની હથિયારો પકડાવાની આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ દેશી પિસ્તોલ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ માટે થવાનો હતો કે કેમ ?