ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના નિવૃત્ત પ્રિન્સિપાલ સહિત 8 સાથે રૂા.80 લાખની ઠગાઇ

ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષતી એક કંપનીના સંચાલકે નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ સહિત કુલ…

ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષતી એક કંપનીના સંચાલકે નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ સહિત કુલ 8 લોકોને પોતાની જાળમાં ફસાવી રૂૂ. 80 લાખની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂૂ કરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટના ગાયત્રીનગરમાં રહેતા અને બાયસાહેબબા સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ જાગૃતિબેન પંકજભાઈ જોષી દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની ફરિયાદમાં ’જાડેજા બ્રધર્સ ગેઈન સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીના સંચાલક રાજદિપસિંહ જાડેજા સામે છેતરપિંડીના આક્ષેપો કર્યા છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સંચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ભોગ બનનાર જાગૃતિબેનના જણાવ્યા અનુસાર, બ્રહ્માકુમારીઝ આશ્રમમાં નિયમિત મુલાકાત દરમિયાન ત્યાં આવતી એક યુવતી મારફતે તેમનો પરિચય આરોપી રાજદિપસિંહ જાડેજા સાથે થયો હતો. રાજદિપસિંહે પોતાની સ્કીમ વિશે જણાવતા દાવો કર્યો હતો કે જો તેઓ તેની કંપનીમાં નાણાંનું રોકાણ કરશે તો તેમને ખૂબ જ ઊંચું અને આકર્ષક વળતર આપવામાં આવશે. આ લાલચમાં આવીને જાગૃતિબેન અને તેમના પરિવારે વિશ્વાસ મૂકીને અલગ-અલગ તબક્કે કુલ રૂૂ. 27 લાખનું રોકાણ કર્યું હતું. રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ શરૂૂઆતના થોડા મહિનાઓ સુધી નિયમિત રીતે વળતર ચૂકવ્યું હતું. પરંતુ ઓક્ટોબર 2025થી આરોપીએ અચાનક જ વળતરની રકમ ચૂકવવાનું બંધ કરી દીધું હતું. રોકાણકારોએ જ્યારે પોતાની રકમની માંગણી કરી ત્યારે આરોપી પોતાની શીતલ પાર્ક સ્થિત ઓફિસને તાળા મારીને પરિવાર સહિત રાતોરાત ફરાર થઈ ગયો હતો.

ત્યારબાદ છેતરાયા હોવાનો અહેસાસ થતાં જાગૃતિબેને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર જાગૃતિબેન જ નહીં, પરંતુ દામિનીબેન પ્રજાપતિ અને પ્રકાશભાઈ વણઝારા સહિત અન્ય પાંચ લોકો પણ આ સ્કીમનો ભોગ બન્યા છે, જેમણે અંદાજે રૂૂ. 51 લાખ ગુમાવ્યા છે. આમ, કુલ મળીને 8 લોકો પાસેથી રૂૂ. 80 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. પીઆઈ દવેના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે પ્રાથમિક તપાસ બાદ હજી પણ વધુ ભોગ બનનાર લોકો સામે આવી શકે છે અને આ છેતરપિંડીનો આંકડો મોટો થઈ શકે છે.