લોકડાયરામાં કોથળા ભરીને રૂપિયાનો વરસાદ!

આહિર ક્ધયા છાત્રાલયના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓ મન મૂકીને વરસી પડ્યા જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે આવીલ ખંભાળિયા ગામ ખાતે ગઈકાલે રાત્રે યોજાયેલા એક ભવ્ય…

આહિર ક્ધયા છાત્રાલયના લાભાર્થે યોજાયેલ કાર્યક્રમમાં દાતાઓ મન મૂકીને વરસી પડ્યા

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે આવીલ ખંભાળિયા ગામ ખાતે ગઈકાલે રાત્રે યોજાયેલા એક ભવ્ય લોકડાયરામાં સંસ્કૃતિ અને સખાવતનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. અહીં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં લોકગાયક પર ચલણી નોટોનો એટલો પ્રચંડ વરસાદ થયો કે કલાકાર જાણે નોટોના ઢગલા નીચે ઢંકાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ દાન સરવાણીને બિરદાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ખંભાળિયામાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ભાગરૂૂપે ગઈકાલે રાત્રે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં જ્યારે જાણીતા ગાયક કલાકાર પોતાની પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા હતા, ત્યારે ભાવિકો અને શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા. કલાકારના સુરમાં આખો પંથક હિલોળે ચડ્યો હતો અને જોતજોતામાં સ્ટેજ પરથી નોટોનો વરસાદ શરૂૂ થઈ ગયો હતો. 10, 20, 100 અને ₹500ની ચલણી નોટોથી આખું સ્ટેજ ઉભરાઈ ગયું હતું. એક યુવાને તો કલાકાર ઉપર નોટો ભરેલો કોથળો ઠાલવી દીધો હતો.

ગુજરાતના લોકડાયરાઓમાં નોટો ઉડાવવાની પરંપરા જૂની છે, પરંતુ આ ડાયરા પાછળનો હેતુ ખૂબ જ ઉમદા છે. કાર્યક્રમના આયોજકોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “આ ડાયરામાંથી જે પણ ભંડોળ એકત્રિત થયું છે, તેમાંથી કાર્યક્રમનો વહીવટી અને સંચાલન ખર્ચ બાદ કરીને બાકીની તમામ રકમ ’અહીર ચેરિટેબલ ટ્રસ્ટ’ને સોંપવામાં આવશે.” આ ભંડોળ અને મળેલા દાનનો ઉપયોગ અમદાવાદ ખાતે નિર્માણ પામનાર ’ગુજરાત અહીર ક્ધયા છાત્રાલય’ અને અદ્યતન શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે કરવામાં આવશે. દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે યોજાયેલા આ સખાવતી ડાયરાની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.