હવે ચેમ્પિયન બનવું અઘરું,ICCએ ODI અને T20 વર્લ્ડ કપનું બદલ્યું ફોર્મેટ

  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરખમ ફેરફારો કર્યા છે. એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાયેલા નિર્ણય…

 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરખમ ફેરફારો કર્યા છે. એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાયેલા નિર્ણય મુજબ, આગામી 2027 ના ODI વર્લ્ડ કપ અને 2028 ના T20 વર્લ્ડ કપને વધુ રોમાંચક બનાવવા માટે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે વર્લ્ડ ચેમ્પિયન બનવું કોઈપણ ટીમ માટે આસાન નહીં રહે. 2027 નો વનડે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાશે.

આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને ફાઇનલ સુધી પહોંચવા માટે તેમણે 3 કઠિન રાઉન્ડમાંથી પસાર થવું પડશે: ક્વોલિફાય થયેલી 14 ટીમોમાંથી નીચેના ક્રમની 3 ટીમો વચ્ચે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં ’સુપર સિરીઝ’ રમાશે. આ સિરીઝ જીતનારી ટીમ આગળના રાઉન્ડમાં પ્રવેશ કરશે. અગાઉથી ક્વોલિફાય થયેલી અન્ય 11 ટીમો અને સુપર સિરીઝની વિજેતા 1 એમ કુલ 12 ટીમોને 6-6 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. રાઉન્ડ-રોબિન ફોર્મેટ મુજબ રમાનાર આ સ્ટેજમાંથી બંને ગ્રુપની ટોચની 3-3 ટીમો અને એક અન્ય ઉચ્ચ ક્રમાંકિત ટીમ મળીને કુલ 7 ટીમો આગળના સ્ટેજમાં જશે. આ 7 ટીમો વચ્ચે ફરી રાઉન્ડ-રોબિન મેચો રમાશે. જેમાંથી ટોચની 4 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. નિયમ મુજબ, પહેલા અને ચોથા ક્રમની ટીમ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ, જ્યારે બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે.

વર્ષ 2028 માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યજમાન પદે યોજાનાર T20 વર્લ્ડ કપમાં 20 ટીમો જ ભાગ લેશે, પરંતુ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવવા માટે નવું ફોર્મેટ ડિઝાઇન કરાયું છે. 20 ટીમોને કુલ 5 ગ્રુપમાં વહેંચવામાં આવશે (અગાઉ 2026 ના T20વર્લ્ડ કપમાં 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી). હવે આ પાંચેય ગ્રુપમાંથી ટોચની 2-2 ટીમો ’સુપર 10’ માટે ક્વોલિફાય થશે. ક્વોલિફાય થયેલી 10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચીને રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં મેચો રમાડાશે. બંને સુપર 10 ગ્રુપની વિજેતા (ટોચની) 1-1 ટીમ સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. સેમિફાઇનલની બાકીની 2 જગ્યાઓ માટે નવો ’એલિમિનેટર રાઉન્ડ’ રમાશે. જેમાં એક સુપર 10 ગ્રુપની બીજા ક્રમની ટીમનો મુકાબલો અન્ય ગ્રુપની ત્રીજા ક્રમની ટીમ સામે થશે.