રાષ્ટ્રીય
જેલમાં બેઠાંબેઠાં બિશ્ર્નોઈ દેશભરમાં આતંક ફેલાવતો હોય તો એ મોટી લાચારી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 3 ડિસેમ્બરે ચંદીગઢની મુલાકાતે જવાના છે પણ એ પહેલાં મંગળવારે સવારે સેક્ટર-26માં બે ક્લબની બહાર થયેલા બે બોમ્બવિસ્ફોટોના કારણે ખળભળાટ મચ્યો છે. સેવિલે બાર અને લાઉન્જ ક્લબ તથા ડી’ઓરા રેસ્ટોરન્ટની બહાર વહેલી સવારે થયેલા બ્લાસ્ટમાં સદભાગ્યે કોઈને જાનહાનિ થઈ નથી પણ વિસ્ફોટમાં સેવિલે બાર એન્ડ લોન્જ અને ડી’ઓરા ક્લબની બહારના કાચ તૂટી ગયા હતા.
વડા પ્રધાનની યાત્રાને ગણીને અઠવાડિયું બચ્યું છે ત્યારે ચંદીગઢમાં બ્લાસ્ટ થાય તેના કારણે ચંદીગઢની કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા સામે તો સવાલ ઉઠ્યા જ છે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગની વધતી દાદાગીરીનો મુદ્દો પણ ચર્ચામાં છે કેમ કે આ બંને બ્લાસ્ટની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી છે. ચંદીગઢમાં જ્યાં વિસ્ફોટ થયો હતો એ પોશ વિસ્તાર છે. આ બંને ક્લબની નજીકમાં શાકમાર્કેટ છે. ઘણી કેન્દ્રીય સંસ્થાઓ પણ નજીકમાં છે. પોલીસલાઇન અને સેક્ટર-26 પોલીસ સ્ટેશન પણ છે ને છતાં બ્લાસ્ટ કરવાની હિંમત કરાઈ એ મોટી વાત છે.
લોરેન્સ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને બ્લાસ્ટની જવાબદારી લેતાં લખ્યું છે કે, બાદશાહે ખંડણી એટલે કે પ્રોટેક્શન મની ના આપતાં ચીમકી આપવા બ્લાસ્ટ કરાયા છે. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં લોરેન્સ ગેંગના ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા 2 બ્લાસ્ટની જવાબદારી લે છે.
ગોલ્ડી બ્રાર કહે છે તેમ લોરેન્સ બિશ્નોઈ ગેંગે બ્લાસ્ટ કરાવ્યો હોય તો એ ચંદીગઢ પોલીસ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું કહેવાય. લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે ને એ ત્યાં બેઠો બેઠો ખંડણી માગી શકે, ખંડણી માટે બ્લાસ્ટ કરાવી શકે એ જોતાં લોરેન્સ બિશ્નોઈ કાયદાથી પર છે ને ખુલ્લેઆમ કાયદાની મજાક ઉડાવી રહ્યો છે એવું લાગે.
બિશ્નોઈના આતંક સામે પોલીસ કે સત્તાવાળા કશું ના કરી શકે એ કેવી લાચારી કહેવાય ?