તમે જે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો તે ખરેખર આઈસ્ક્રીમ છે? આરોગ્ય વિભાગે શરૂ કર્યું અભિયાન

  ઉનાળાની ગરમી હોય કે પછી ઠંડકનો સ્વાદ માણવાની વાત હોય, આઈસ્ક્રીમ ખાવાનું કોને ન ગમે? પરંતુ તમે જે આઈસ્ક્રીમ સમજીને ખાઈ રહ્યા છો તે…

 

ઉનાળાની ગરમી હોય કે પછી ઠંડકનો સ્વાદ માણવાની વાત હોય, આઈસ્ક્રીમ ખાવાનું કોને ન ગમે? પરંતુ તમે જે આઈસ્ક્રીમ સમજીને ખાઈ રહ્યા છો તે ખરેખર આઈસ્ક્રીમ જ છે કે ફ્રોઝન ડેઝર્ટ? આ અંગે હવે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ લોકોને જાગૃત કરશે. રાજ્યમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે આજથી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવામાં આવશે.

ગુજરાતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અભિયાનમાં ખાસ કરીને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત લોકો સુધી પહોંચાડવામાં આવશે. મંત્રી એ જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં આઇસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બન્ને પ્રકારના ઉત્પાદનો ઉપલબ્ધ છે. જે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 હેઠળની માન્ય ખાદ્યચીજ છે. જે દેખાવ, ઠંડક અને સ્વાદમાં સમાન હોવાથી મોટાભાગના ગ્રાહકો બંનેને ‘આઈસ્ક્રીમ’ માનીને જ ખાય છે. પરંતુ બંનેની બનાવટમાં તફાવત છે. આઇસ્ક્રીમ મિલ્ક ફેટમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ‘ફ્રોઝન ડેઝર્ટ’ માં વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે. આરોગ્ય વિભાગના અંદાજ મુજબ, મોટા ભાગના નાગરિકો આ તફાવતથી અજાણ છે અને અજાણતા જ ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજીને આરોગી રહ્યા છે.

આરોગ્યમંત્રીએ ગ્રાહકોને અપીલ કરી છે કે આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ખરીદતા પહેલાં પેકેટ પરનું લેબલ અવશ્ય વાંચે. તેમાં ઉત્પાદનનું નામ, વપરાયેલા ઘટકો અને પોષકતત્ત્વોની વિગતો તપાસે. માત્ર પેકેટના દેખાવ કે જાહેરાતના આધારે ખરીદી ન કરે.આ ઉપરાંત છૂટક વેચાણ કરતા વેપારીઓને પણ સ્પષ્ટ ડિસ્પ્લે બોર્ડ અને માર્કિંગ રાખવા સૂચના આપવામાં આવી છે, જેથી ગ્રાહકોને તેઓ કયું ઉત્પાદન ખરીદી રહ્યા છે તેની સાચી માહિતી મળી શકે.

મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ આવી છે, તે જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના તફાવત અંગે પણ જનજાગૃતિ આવશ્યક છે.આ ઉપરાંત, શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સ આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગી બને.

ખાસ નોંધનીય છે કે ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. બંને ઉત્પાદનોનું પોષક મૂલ્ય અને ગુણવત્તા તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે.

આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે હવે આઈસ્ક્રીમ ખરીદતી વખતે માત્ર સ્વાદ અને કિંમત જ નહીં, પરંતુ પેકેટ પર લખેલું નામ અને તેમાં વપરાયેલા ઘટકો પણ તપાસજો. કારણ કે ગ્રાહક તરીકે જાગૃત રહેવું એ જ સ્વાસ્થ્યની સુરક્ષાનું પહેલું પગલું છે.