ઇરાને અમેરિકી યુધ્ધજહાજને નિશાન બનાવ્યું: વળતા પ્રહારમાં વોશિંગ્ટનનો નૌકામથક પર હુમલો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતના તમામ અંદાજો ખોટા સાબિત થયા છે…

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય તણાવે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતના તમામ અંદાજો ખોટા સાબિત થયા છે અને પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે અરબ સાગર સુધી પહોંચી ગઈ છે. ઈરાન તરફથી ઉત્તર અરબ સાગરમાં અમેરિકન યુદ્ધપોત (ડેસ્ટ્રોયર) ને નિશાન બનાવવામાં આવ્યા બાદ, અમેરિકાએ ઈરાનના અત્યંત વ્યૂહાત્મક અને મહત્ત્વપૂર્ણ એવા કોનાર્ક નેવી બેઝ પર હવાઈ હુમલો કરી દીધો છે. આ હુમલાને કારણે ફારસ અને ઓમાનની ખાડી વચ્ચે બનેલા ભંવર વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાની આશાઓ પણ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે.

ઈરાની નૌસેનાના દાવા મુજબ, અમેરિકી સેનાએ મંગળવાર સવારે દક્ષિણ-પૂર્વ ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં ઓમાનની ખાડીના તટ પર આવેલા કોનાર્ક નેવલ બેઝ પર હુમલો કર્યો હતો. ચાબહારની ખાડી પાસે અને હોર્મુઝ સ્ટ્રેટના એક્ઝિટ પોઇન્ટ પર સ્થિત આ નેવી બેઝ પર બે હળવા પ્રોજેક્ટાઈલ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં બે ઈરાની સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલામાં 35 મિલીમીટરની એક તોપને નિશાન બનાવવામાં આવી હતી.

બીજી બાજુ, આ હુમલા પહેલા ઈરાન દ્વારા ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી રહેલા યુએસ નેવીના ’આર્લે બર્ક ક્લાસ’ ના ડેસ્ટ્રોયર વોરશિપને અદ્યતન એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ અને બેલેસ્ટિક મિસાઈલથી ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં યુએસએસ જ્યોર્જ એચ.ડબ્લ્યૂ બુશ એરક્રાફ્ટ કેરિયર પરથી ઉડાન ભરેલા એફ/એ-18 સુપર હોર્નેટ લડાકુ વિમાનોએ દક્ષિણ-પૂર્વ ઈરાનમાં આઈઆરજીસીના ઠેકાનાઓ પર વળતા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત ઈરાનના ઇસ્ફહાન અને કુમ પ્રાંતમાંથી પણ બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

આ ગંભીર તણાવ વચ્ચે હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અમેરિકા ઈરાનની અર્થવ્યવસ્થાને ઓક્સિજન પૂરું પાડતા મુખ્ય ઓઈલ નિકાસ કેન્દ્ર ’ખાર્ગ આઈલેન્ડ’ પર પણ હુમલો કરવાની રણનીતિ બનાવી રહ્યું છે.