Site icon Gujarat Mirror

હોર્મુઝમાં ઈરાનનો ફરી આક્રમક હુમલો, 3 ઓઇલ ટેન્કરોને નિશાન બનાવ્યાનો દાવો

 

અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ ફરી એકવાર વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને ફરી આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે એવો દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝ માર્ગ પર મળેલી ચેતવણીને નજરઅંદાજ કરનારા ત્રણ ઓઇલ ટેન્કરોને ઘેરીને અટકાવી દીધા છે. ઈરાની સરકારી ટીવીના માધ્યમથી આ અંગેની જાણકારી પ્રાપ્ત થઈ છે.

મહત્ત્વનું છે કે ઈરાનનું આ પગલું તેની જ એક કડક ચેતવણીના થોડા કલાકો બાદ જ સામે આવ્યું છે. ઈરાને વિશ્વભરના રાષ્ટ્રો અને શિપિંગ કંપનીઓને ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ અથવા કંપની અમેરિકા દ્વારા જપ્ત કરાયેલ ઈરાની સંપત્તિનો ઉપયોગ કરશે, તો તેમના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર ‘ખાતમ અલ-અંબિયા’ દ્વારા આ આકરી ચેતવણી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિર્ણયના જવાબમાં આપવામાં આવી હતી. વાસ્તવમાં, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન જે જહાજોને નુકસાન પહોંચ્યું છે, તેમને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાનની સંપત્તિમાંથી વળતર આપવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈરાન ભારે રોષે ભરાયું છે.

ઈરાની સૈન્ય કમાન્ડના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફિકારીએ અમેરિકન પ્રમુખના આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દેતાં જણાવ્યું હતું કે અમેરિકાનું આ પગલું ગેરકાયદેસર છે. તેમણે અમેરિકન પ્રમુખને આ નિર્ણયના ગંભીર પરિણામો ભોગવવા અંગે ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે પણ દેશ કે કંપની ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિનો ઉપયોગ કરશે, ઈરાનના સશસ્ત્ર દળો તેના એક પણ જહાજને હોર્મુઝના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાંથી પસાર થવાની મંજૂરી આપશે નહીં.

 

Exit mobile version