ક્રાઇમ
આરંભડામાં લોનના હપ્તા લેવા ગયેલા મહિલાને કડું મારી દાંત ભાંગી નાખ્યા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા વિજયભાઈ ઘેલાભાઈ બારીયા નામના 32 વર્ષના કોળી યુવાન વર્તુ નદીના કાંઠે પકોડા વિગેરેનો ધંધો કરતા હોય, અહીં નદીના પાણીમાં તણાઈને આવેલા લાકડા (બળતણ) કાઢવા જતા આરોપી ધીરુભાઈ ઘેલાભાઈ જમોડ, વિજય ધીરુભાઈ, નાગાભાઈ ધીરુભાઈ જમોડ અને રમેશ ધીરુભાઈ જમોડ અંગે પોલીસને 112 નંબરમાં જાણ કરતા આ બાબતનો ખાર રાખીને ઉપરોક્ત ચારેય આરોપીઓએ હથિયારો સાથે ફરિયાદી વિજયભાઈ બારીયા પાસે આવીને બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા આ બનાવ અંગે તમામ ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જયારે બીજા બનાવમાં ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં આવેલા ધરાનગર ખાતે રહેતા ભાવનાબેન કરસનભા મકવાણા નામના 34 વર્ષના મહિલા તેમની પાડોશમાં રહેતા બબાભાના ઘર પાસે લોનના હપ્તાના રૂૂપિયા લેવા ગયા હતા અને તેઓ બબાભાના પુત્ર સાથે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતો યુવરાજ વાલાભા માણેક નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તને રૂૂપિયા નથી દેવા. તારાથી થાય તે કરી લેજે એમ કહ્યું હતું. જેથી ફરિયાદી ભાવનાબેને યુવરાજને કહ્યું કે હું આવડો નાનો છો. છતાં મારી સાથે આવું તોછડાઈથી વર્તન કેમ કરે છે? તેમ કહેતા ઉશ્કેરાયેલા યુવરાજે હાથમાં પહેરેલું કડુ ભાવનાબેનના મોઢાના ભાગે ઝીંકી દેતા તેમનો દાંત તૂટી ગયો હતો અને હોઠમાં તેમજ કપાળમાં લોહી નીકળવા લાગ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે ભાવનાબેન મકવાણાની ફરિયાદ પરથી યુવરાજ માણેક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.