Site icon Gujarat Mirror

જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને 10 હજારનો દંડ ફટકારતું માહિતી આયોગ

આર.ટી.આઇ. હેઠળ ખોટી માહિતી આપવાનું મોંઘુ પડ્યું

જેતપુર-નવાગઢ નગર પાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગે મોટો ઝાટકો આપ્યો છે. RTI (માહિતીનો અધિકાર અધિનિયમ) હેઠળ અરજદારને જાણીજોઈને ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ ચીફ ઓફિસર પી.બી. પરમારને રૂૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ તેમણે પોતાના ખિસ્સામાંથી ભરવાની રહેશે અને એક મહિનામાં જમા ન કરાવે તો પગારમાંથી કપાત કરીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ કેસમાં અરજદાર યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે જેતપુર નગરપાલિકા પાસે RTI અરજી દાખલ કરીને ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ અંગે માહિતી માંગી હતી. જાહેર માહિતી અધિકારી તરીકે કાર્યરત ચીફ ઓફિસર પી.બી. પરમારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ મિટિંગ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ હતી કે મિટિંગ નગરપાલિકાના પોતાના કાર્યાલયમાં જ યોજાઈ હતી. આમ, અધિકારીએ જાણી જોઈને સ્થળ અંગે ખોટી માહિતી આપીને અરજદારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બાબતે ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું કે અધિકારીએ જાણીજોઈને માહિતી છુપાવવાનો અને અરજદારને મોડી મળે તે હેતુથી ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યું છે. સુનાવણીમાં ચીફ ઓફિસરે સ્વીકાર્યું હતું કે તેઓ હવે સાચી માહિતી આપવા તૈયાર છે, પરંતુ અગાઉ આપેલા ખોટા જવાબને કારણે આયોગે તેમનો ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો. માહિતી અધિકાર અધિનિયમ-2005ની કલમ 20(1) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને કમિશનરે ચીફ ઓફિસરને રૂૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ દંડ અધિકારીના સ્વ-ભંડોળમાંથી ભરવાનો રહેશે. જો એક મહિનાની અંદર રકમ જમા ન કરાવવામાં આવે તો તેમના પગારમાંથી કપાત કરીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

Exit mobile version