અમેરિકામાં ભારતીય નિખિલ ગુપ્તાને 19 વર્ષની જેલ: પન્નૂની હત્યાના કાવતરામાં દોષિત ઠર્યા

  ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા ફટકારી છે.…

 

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં અમેરિકાની એક અદાલતે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને 19 વર્ષ અને 7 મહિનાની જેલની સજા ફટકારી છે. શુક્રવારે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં લગભગ ૮૦ મિનિટ સુધી ચાલેલી સુનાવણી બાદ ન્યાયાધીશ વિક્ટર મારેરોએ આ સજા સંભળાવી હતી.

55 વર્ષીય નિખિલ ગુપ્તાએ આ વર્ષની શરૂઆતમાં જ પોતાના પર લાગેલા ત્રણ ગંભીર આરોપોનો સ્વીકાર કર્યો હતો. જેમાં હત્યાની સોપારી આપવી, હત્યાનું કાવતરું રચવું અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે. આ તમામ આરોપો વર્ષ 2023માં ન્યૂયોર્કમાં પન્નુની હત્યા કરવાની યોજના સાથે જોડાયેલા હતા.

અમેરિકાની તપાસ મુજબ ૨૦૨૩માં ગુપ્તાએ એવા કેટલાક વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો જેઓ કથિત રીતે પન્નુની હત્યાનું આયોજન કરવામાં સામેલ હતા. આ કેસમાં વિકાસ યાદવ પણ એક સહ-આરોપી છે. અમેરિકી સરકારી વકીલોનો આરોપ છે કે વિકાસ યાદવે ગુપ્તાને એવી વ્યક્તિનો સંપર્ક કરવા સૂચના આપી હતી જે હત્યા કરવા માટે ભાડૂતી હત્યારાની વ્યવસ્થા કરી શકે.

અમેરિકી તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા માટે ૧,૦૦,૦૦૦ ડોલર ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી, અને સરકારી પક્ષના જણાવ્યા અનુસાર, આ રકમ વિકાસ યાદવ દ્વારા આપવામાં આવનાર હતી. ૯ જૂન, ૨૦૨૩ની આસપાસ, એક સાથીએ હત્યા માટેની અગાઉની ચૂકવણી (એડવાન્સ પેમેન્ટ) તરીકે એક અન્ડરકવર અધિકારીને ૧૫,૦૦૦ ડોલર રોકડા આપ્યા હતા. જે વ્યક્તિને ગુપ્તા શૂટરની વ્યવસ્થા કરનાર ગુનેગાર સમજી રહ્યા હતા, તે હકિકતમાં અમેરિકન ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન (DEA) નો ગુપ્ત બાતમીદાર નીકળ્યો હતો. હત્યા માટે 1 લાખ ડોલર નક્કી થયા હતા અને 9 જૂન 2023ના રોજ એડવાન્સ પેટે અંડરકવર અધિકારીને 15 હજાર ડોલર રોકડા આપવામાં આવ્યા હતા. એજન્સીઓએ સમગ્ર વાતચીત અને નાણાકીય લેવડદેવડ પર નજર રાખીને ગુપ્તાની ધરપકડ કરી હતી.

સજા સંભળાવતા પહેલા, ગુપ્તાએ કોર્ટમાં એક અંગત પત્ર રજૂ કર્યો હતો જેમાં તેમણે પોતાના કૃત્યો બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે કાશ તેઓ સમયમાં પાછા જઈ શક્યા હોત અને ૨૦૨૩માં કરેલી ભૂલો સુધારી શક્યા હોત. તેમણે વધુમાં લખ્યું કે તેઓ પોતે કેવા વ્યક્તિ બની ગયા હતા તે પણ તેઓ ઓળખી શકતા નથી. ગુપ્તાએ જણાવ્યું કે ૨૦૨૩ની શરૂઆત સુધીમાં તેઓ પોતાના પરિવારથી દૂર થવા લાગ્યા હતા. તેમણે લગભગ દરરોજ રાત્રે વધુ પડતી દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. તેણે પોતાના પરિવાર અને પોતાની આસપાસના લોકોને જે પીડા પહોંચાડી હતી, તે બદલ તેણે ઊંડો પસ્તાવો પણ વ્યક્ત કર્યો.

ગુપ્તાએ એ પણ ઉલ્લેખ કર્યો કે તેના કૃત્યોને કારણે કોઈનો જીવ ગયો નથી કે કોઈને ઈજા પણ થઈ નથી. તેણે લખ્યું કે તે આ બાબત માટે અત્યંત આભારી છે; જો કોઈનું મૃત્યુ થયું હોત કે કોઈને ઈજા પહોંચી હોત, તો તે તેના જીવનનો સૌથી મોટો પસ્તાવો હોત.

સુનાવણી દરમિયાન ખાલિસ્તાન સમર્થક સંગઠન સાથે જોડાયેલા અને ભારતમાં આતંકી જાહેર થયેલા ગુરપતવંત સિંહ પન્નુએ પણ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અમેરિકન અને કેનેડિયન નાગરિકત્વ ધરાવતા પન્નુએ દાવો કર્યો હતો કે હત્યાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ જીવના જોખમને કારણે તેઓ 1,200થી વધુ દિવસોથી પોતાની નિયમિત કાયદાકીય પ્રેક્ટિસ કરી શક્યા નથી. સુનાવણી પૂર્વે કોર્ટ પરિસરની બહાર પન્નુના કેટલાક સમર્થકોએ ગુપ્તા અને અન્ય આરોપીઓના પૂતળા સાથે પ્રદર્શન પણ કર્યું હતું. નોંધનીય છે કે અમેરિકન ફરિયાદીઓના આરોપોને પગલે આ મામલે ભારત અને અમેરિકાના સંબંધો અંગે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી હતી.