ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતે 17 વર્ષ પહેલા ટેસ્ટ સિરિઝ જીતી હતી

ન્યુઝીલેન્ડમાં ટી20 અને વન-ડે સિરીઝ જીત્યા પછી આવતી કાલથી ભારતીય ટીમ ટેસ્ટ-મેચ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. 19 નવેમ્બરથી વેલિંગ્ટન અને 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય સમય…

ન્યુઝીલેન્ડમાં ટી20 અને વન-ડે સિરીઝ જીત્યા પછી આવતી કાલથી ભારતીય ટીમ ટેસ્ટ-મેચ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. 19 નવેમ્બરથી વેલિંગ્ટન અને 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય સમય અનુસાર સવારે 3.30 વાગ્યાથી રમત શરૂૂ થશે. બન્ને વચ્ચે છેલ્લે નવેમ્બર 2024માં સિરીઝ રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે 3-0થી ક્લીન સ્વીપ નોંધાવી હતી.

બન્ને ટીમો વચ્ચે બાવીસ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. એમાંથી ભારત 12 સિરીઝમાં અને ન્યુઝીલેન્ડ 7 સિરીઝમાં વિજેતા રહ્યું છે. 1969, 1975 અને 2003માં એક-એક એટલે ટોટલ 3 સિરીઝ ડ્રો રહી છે. છેલ્લી 6 સિરીઝમાંથી કિવી ટીમ 4 અને ભારતીય ટીમ બે સિરીઝમાં જીત્યું છે.

ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમ 9 ટેસ્ટ-સિરીઝ રમી છે. એમાંથી ન્યુ ઝીલેન્ડે 6 સિરીઝ જીતી છે. ભારતને 1968 અને 2009ની સિરીઝમાં જ જીત મળી હતી. 1975ની સિરીઝ ડ્રો રહી હતી. ન્યુ ઝીલેન્ડની ધરતી પર ભારતને 2013 અને 2019ની બન્ને સિરીઝમાં એક પણ જીત વગર કારમી હાર મળી હતી. એટલે કે ન્યુ ઝીલેન્ડમાં ભારત છેલ્લે 17 વર્ષ પહેલાં ટેસ્ટ-સિરીઝ જીત્યું હતું.

1955થી 2024 વચ્ચે બન્ને ટીમો વચ્ચે 65 ટેસ્ટ-મેચ રમાઈ છે. એમાંથી 27 મેચ ડ્રો રહી છે. બાવીસ મેચમાં ભારત અને 16 મેચમાં ન્યુ ઝીલેન્ડ વિજેતા રહ્યું છે. આ હરીફ સામે ભારત વાનખેડે સ્ટેડિયમમાં 2021ના ડિસેમ્બર મહિનામાં છેલ્લી વખત ટેસ્ટ-મેચ જીતી હતી. ન્યુ ઝીલેન્ડની ધરતી પર હેમિલ્ટનમાં છેલ્લે ભારતીય ટીમને માર્ચ 2009માં ટેસ્ટ-જીત મળી હતી. અહીં છેલ્લે 6 ટેસ્ટ-મેચમાંથી ન્યુઝીલેન્ડ 3 મેચ જીત્યું છે અને 3 મેચ ડ્રો રહી છે.
વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડ 70 ટેસ્ટ-મેચમાંથી 24 મેચ જીત્યું છે અને બાવીસ મેચ હાર્યું છે. 24 મેચ ડ્રો રહી છે. ભારતનો રેકોર્ડ અહીં શરમજનક રહ્યો છે. ભારતીય ટીમ અહીં 8 ટેસ્ટ-મેચમાંથી પાંચ મેચ હારી છે અને માત્ર 1 મેચ જીતી છે. બે ટેસ્ટ-મેચ ડ્રો પણ રહી હતી.

ભારતને આ મેદાન પર એકમાત્ર ટેસ્ટ-જીત માર્ચ 1968માં મળી હતી. આ મેચ ભારત અને ન્યુ ઝીલેન્ડની વેલિંગ્ટનમાં પહેલી જ ટેસ્ટ-મેચ હતી. એટલે કે છેલ્લી 7 ટેસ્ટ-મેચ અને 58 વર્ષોથી ભારત અહીં ટેસ્ટ-મેચ નથી જીત્યું.

WTC ફાઇનલમાં પહોંચવા માટે બે ટેસ્ટ નિર્ણાયક સાબિત થશે : શુભમન ગિલ
ન્યુ ઝીલેન્ડ સામેની બે ટેસ્ટ-મેચની સિરીઝ માટે ભારતીય ટેસ્ટ-ટીમના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે ‘મને લાગે છે કે જો અમે આ બે ટેસ્ટ-મેચ જીતી જઈએ તો અમારી પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની ખૂબ મજબૂત તક હશે. ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે આ બે મેચ નિર્ણાયક સાબિત થશે. તેથી જ અમે અમારા મોટા ભાગના પ્લેયર્સને વન-ડે ટીમમાંથી બહાર રાખ્યા હતા. એનાથી તેમને ટેસ્ટ-સિરીઝ માટે શ્રેષ્ઠ તૈયારી કરવાની તક મળે.‘