રાઇઝિંગ એશિયા કપમાં 22 નવેમ્બરે ભારત-પાક.ની ટક્કર

વિશ્વભરના કરોડો ક્રિકેટ રસિકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂૂ થઈ ચૂક્યું છે. એશિયન ક્રિકેટ…

વિશ્વભરના કરોડો ક્રિકેટ રસિકો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂૂ થઈ ચૂક્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા રાઇઝિંગ એશિયા કપ 2026ના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ મહત્વની ટુર્નામેન્ટમાં ભારત ’એ’ અને પાકિસ્તાન ’એ’ની ટીમો એક જ ગ્રૂપમાં સામસામે ટકરાશે. કતારની રાજધાની દોહા ખાતે 22 નવેમ્બર 2026 ના રોજ આ હાઈ-વોલ્ટેજ મેચ રમાશે.

ટુર્નામેન્ટના શિડ્યુલ અનુસાર ભારત ’એ’ અને પાકિસ્તાન ’એ’ ને ગ્રૂપ બીમાં રાખવામાં આવ્યા છે. આ બંને પરંપરાગત હરીફો વચ્ચેનો બ્લોકબસ્ટર મુકાબલો દોહાના પ્રતિષ્ઠિત વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ગ્રૂપ બીમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત નેપાળ અને સંયુક્ત આરબ અમીરાતની ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂૂઆત 20 નવેમ્બર 2026 ના રોજ નેપાળ સામે રમીને કરશે. ત્યારબાદ 22 નવેમ્બરે પાકિસ્તાન સામે રોમાંચક જંગ ખેલાશે. ગ્રૂપ સ્ટેજમાં ટીમ ઇન્ડિયા પોતાની અંતિમ મેચ 24 નવેમ્બર 2026 ના રોજ યુએઈ સામે રમશે. આ સ્પર્ધામાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

દરેક ટીમ પોતાના ગ્રૂપની અન્ય ત્રણ ટીમો સામે એક-એક લીગ મેચ રમશે. બંને ગ્રૂપમાંથી પોઈન્ટ ટેબલ પર ટોચના સ્થાને રહેનારી 2-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે. ટુર્નામેન્ટના સેમિફાઇનલ મુકાબલા 26 અને 27 નવેમ્બર 2026 ના રોજ યોજાશે. જ્યારે ખિતાબી જંગ એટલે કે ગ્રાન્ડ ફાઇનલ 29 નવેમ્બર 2026 ના રોજ રમાશે.

મોટાભાગની મહત્વની મેચો અને ફાઇનલ મુકાબલો વેસ્ટ એન્ડ પાર્ક સ્ટેડિયમમાં રમાશે, જ્યારે કેટલીક મેચો યુનિવર્સિટી ઓફ દોહા ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજિત થશે. ટુર્નામેન્ટનો પ્રથમ મુકાબલો 19 નવેમ્બર 2026 ના રોજ આ ગ્રાઉન્ડ પર રમાશે.