Sports
શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો છે અને તેણે ટીમની કમાન પણ સંભાળી લીધી છે. બીજી ટેસ્ટની તૈયારીઓ પણ અંતિમ તબક્કામાં છે, જે 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ પિંક બોલની ટેસ્ટ હશે, જે ડે નાઈટ મેચ છે, તેથી આ મેચને લઈને રોમાંચ છે.
રોહિત શર્મા ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે તૈયાર છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે રોહિત શર્મા પરત ફરશે ત્યારે તે કયા નંબર પર બેટિંગ કરશે? તે છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ કરી રહ્યો છે. પરંતુ આ સીરીઝની પ્રથમ મેચમાં જ્યારે રોહિત શર્મા ત્યાં ન હતો ત્યારે તેની જગ્યાએ કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂૂઆત કરી હતી. આ જોડી ભલે પ્રથમ દાવમાં હીટ ન રહી પરંતુ બંનેએ બીજી ઇનિંગમાં 200થી વધુ રનની ભાગીદારી કરીને નવો રેકોર્ડ બનાવ્યો. શું રોહિત શર્મા આ જોડી તોડશે ?
જો કેપ્ટન નક્કી કરે છે કે ફક્ત કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ જ ઈનિંગ્સની શરુઆત કરે, તો તેણે પાંચમાં અને પછી છ નંબર પર બેટિંગ કરવા આવવું પડશે. જો કે રોહિત શર્માએ ત્યાંથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂૂઆત કરી હતી, તેથી ત્યાં રમવું તેના માટે નવી વાત નથી. યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં 161 રનની લાંબી ઇનિંગ રમી એટલું જ નહીં, કેએલ રાહુલે પણ 250 બોલનો સામનો કર્યો અને બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે 103 રન બનાવ્યા.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.