ડિટેકટ, ડિલીટ અને ડિપોર્ટેશન અંતર્ગત થશે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી રચાયેલી સરકારે એક અત્યંત ઐતિહાસિક અને આકરો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીએ ગઇકાલથી રાજ્યમાં નાગરિકતા સુધારો અધિનિયમ (CAA) સત્તાવાર રીતે લાગુ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ (ઘૂસણખોરો) માટે તાત્કાલિક અસરથી દેશનિકાલ પ્રક્રિયા શરૂૂ કરવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી ‘ડિટેક્ટ, ડિલીટ અને ડિપોર્ટેશન’ ના ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવશે.
રાજ્ય સચિવાલય ‘નબન્ના’ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પૂર્વવર્તી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે પાછલી સરકારે વોટબેંકની રાજનીતિ હેઠળ CAAનો વિરોધ કર્યો હતો અને કેન્દ્ર સરકારની સુરક્ષા જોગવાઈઓ લાગુ કરવામાં નિષ્ફળ રહી હતી.
મુખ્યમંત્રીએ ખુલાસો કર્યો કે, ગયા વર્ષે 14 મે 2025ના રોજ કેન્દ્ર સરકારે રાજ્યને એક પત્ર મોકલીને ઘૂસણખોરોને સીધા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને સોંપવા જણાવ્યું હતું, જેનો અમલ અગાઉની સરકારે કર્યો ન હતો. પરંતુ હવે જે લોકો આ કાયદાના દાયરામાં નહીં આવે, તેમની રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે અને BSFને સોંપવામાં આવશે. ત્યારબાદ BSF બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) સાથે સંકલન સાધીને તેમને પાછા મોકલવાની કાનૂની વ્યવસ્થા કરશે.
મુખ્યમંત્રીએ સીએએ (CAA) અંતર્ગત કાનૂની રક્ષણ મેળવનારા શરણાર્થીઓ અને ગેરકાયદેસર ઘૂસણખોરો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. કાયદાની જોગવાઈઓ મુજબ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનનો ભોગ બનીને 31 ડિસેમ્બર 2024ની કટ-ઓફ ડેટ સુધીમાં ભારત આવેલા છ લઘુમતી સમુદાયોહિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીસંપૂર્ણપણે સુરક્ષિત છે. રાજ્ય પોલીસ આ સમુદાયના લોકોને અટકાયતમાં લઈ શકશે નહીં અને તેમને કાયદેસરની નાગરિકતા આપવામાં આવશે. જો કે, આ માપદંડમાં ન આવતા તમામ લોકોને ઘૂસણખોર ગણીને કડક કાર્યવાહી કરાશે.
આ નવા કાયદાના અમલીકરણ માટે પશ્ચિમ બંગાળના ગૃહ સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને વિશેષ સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્ય અને દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત-બાંગ્લાદેશ સરહદને અડીને આવેલા તમામ પોલીસ સ્ટેશનોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં સરહદ વ્યવસ્થાપન અને ઘૂસણખોરી હંમેશાથી મોટો રાજકીય મુદ્દો રહ્યો છે. આ કડક વલણની સાથે જ, પશ્ચિમ બંગાળ સરકારે આંતરરાષ્ટ્રીય સરહદ પર કાંટાળા તારની મજબૂત વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળ (BSF) ને જમીન સોંપવાની પ્રક્રિયા પણ ઝડપથી શરૂૂ કરી દીધી છે.
