જૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યા

જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની જાતીય સતામણીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી…

જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની જાતીય સતામણીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ આરોપી અવેશ મકરાણીની ધરપકડ કરી લીધી છે.

સગીરા સાથે આરોપીએ શારીરિક અડપલા કર્યાં DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું કે, જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા એક પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે, ફરિયાદીના વિસ્તારમાં જ રહેતો 21 વર્ષીય અવેશ મકરાણી નામનો યુવક, ફરિયાદીની સગીર દીકરી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરતો હતો.

સગીરાના પરિવારના સભ્યએ ફરિયાદ નોંધાવી આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 75(2) અને પોક્સો એક્ટની કલમ 8 અને 12 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે, જેના આધારે પોલીસ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર દીકરી સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ આ ગુનો આચર્યો હતો.

આરોપી અગાઉ આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં સંડોવાયેલો હતો.આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપી નામદાર પોક્સો કોર્ટમાંથી જામીન પર મુક્ત થયો હતો, પરંતુ તેણે ફરીવાર આવું જ કૃત્ય આચર્યું હોવાથી ગઈકાલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં અગાઉના જામીન રદ કરવા માટેનો રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો છે.

જેલમાંથી બહાર નીકળી ફરી એ રસ્તે આરોપી આરોપીએ જેલમાંથી બહાર આવીને બીજી વાર આ પ્રકારનો ગુનો કેમ આચર્યો અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે, તે જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ માટે પોલીસ દ્વારા આરોપીના પરિવારના સભ્યો તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની પણ મદદ લેવામાં આવશે. હાલમાં આ સમગ્ર ગુનાની આગળની તપાસ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કરી રહ્યા છે.