જસદણમાં ભાડાના મકાનમાં રહેતી પરિણીતાને મકાન માલિક અને પાડોશીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણમાં આવેલા દલવાડી વિસ્તારમાં રહેતી ટીનાબેન યોગેશભાઈ કટકીયા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે મધરાત્રે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં ટિનાબેન દલિત છે અને તેને યોગેશભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. દંપતિ જસદણમાં ભાડાના મકાનમાં રહે છે. મકાન માલિક અને પાડોશીઓ છેલ્લા છ મહિનાથી જ્ઞાતી પ્રત્યે હડધૂત કરતાં હોવાના આક્ષેપ સાથે ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં વિંછીયાના સોમલપર ગામે રહેતી આરતીબેન દેવરાજભાઈ મોરી (ઉ.33) એ ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આરતીબેનના પતિ દેવરાજભાઈ મોરીએ ત્રણ વર્ષની પુત્રીને ઠપકો આપતાં આરતીબેનને માઠુ લાગી આવતાં ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
