ગુજરાત
ભાવનગરમાં પિતા-પુત્રએ હુમલો કરી ધમકી આપતા યુવાને ઝેરી દવા પીધી
પરપ્રાંતીય યુવાનની ફરિયાદને આધારે પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો
ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવાનને આ જ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર એ માર મારતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના કુંભારવાડા, મોતીતળાવ, શેરી નં.01 માં રહેતા અને મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવાન વેતાલભાઈ વાસુભાઈ વ્યાસ ગઈકાલે તેમના ઘરે હાજર હતા તે દરમિયાન આરીફ ઉર્ફે ભોળીયો અને તેનો દીકરો સાહિલ તેમના ઘરે આવ્યા હતા અને વેતાલભાઈના પિતા વાસુભાઈને ધાક ધમકી આપી હતી, તેમજ સાહિલે લાકડાના ધોકા વડે વેતાલભાઈ ને માર મારી ઇજા પહોંચાડી હતી.
દરમિયાન લોકો એકઠા થઈ જતા આ બંને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. અગાઉ પણ આ બંને પિતા-પુત્ર એ બોલાચાલી અને ઝઘડો કરેલ હોય વેતાલભાઈને લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે વેતાલભાઈ વ્યાસે બંને વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.