- રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો –
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.
લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.