Site icon Gujarat Mirror

અમદાવાદમાં ધો. 8 ના છાત્રની સહપાઠીના હાથે હત્યા

ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતમાં છરી મારી દીધી, સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકત્ર થવા લાગતા તંગદિલી

અમદાવાદના ખોખરામાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે. સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને છરી મારી દેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે ધોરણ 10ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલ પર સિંધી સમાજના લોકો એકઠા થવાના શરૂૂ થઈ ગયા છે. મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈ હોબાળો કરતા સ્કૂલે તાત્કાલિક રજા જાહેર કરી છે.

ઘોડાસરમાં રહેતો 15 વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો, તેનો પિતરાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એક અઠવાડિયા પહેલાં વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ છૂટવા સમયે સીડીઓ ઊતરી રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. આથી બંને ભાઈઓને ધોરણ 8ના વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી.

આ ઘટના બાદથી બંને જ્યારે સામસામે મળતા ત્યારે બોલાચાલી થતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ 8નો વિદ્યાર્થી જેમ તેમ બોલતો હતો. આ દરમિયાન મંગળવારે(19 ઓગસ્ટ) બપોરે સ્કૂલ છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો હતો. તે સ્કૂલની સામેના ભાગે મણિયાશા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ 8ના

વિદ્યાર્થીએ તેની સાથે બોલાચાલી કરી હતી. આ સમયે અન્ય પાંચથી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને ઘા ઝીંકી દીધા હતા અને ભાગી ગયો હતો. આ તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ડરનો માર્યો સ્કૂલના કમ્પાઉન્ડના પાછળના ભાગે દોડી આવ્યો હતો, જેને સિક્યોરિટી ગાર્ડે જોતા સ્કૂલ સત્તાવાળાઓ તેમજ પોલીસને જાણ કરી હતી.

પોલીસે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરીને 9 લોકોનાં નિવેદન નોંધ્યાં છે, જેમાં એવું બહાર આવ્યું છે કે જે વિદ્યાર્થીએ છરી મારી તેની સામે અગાઉ સ્કૂલને અનેક ફરિયાદો મળી હતી. તેમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

છરી મારનાર સગીર જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે સગીરની માતાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં હુમલો કરનારા ધોરણ 8ના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હુમલો કરનારા સગીર વિદ્યાર્થીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડ અપ કર્યો હતો. આ સાથે પોલીસે બનાવ મામલે સીસીટીવી ફૂટેજ મેળવી તેમજ ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન લીધા હતા.

Exit mobile version