ભારે કરી, કોંગ્રેસી આગેવાનને પુછયા વગર જ ભાજપમાં હોદ્દો આપી દેવાયો

રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત…

રાજકીય પક્ષોમાં હોદ્દા મેળવવા માટે પડાપડી થતી હોય છે. પરંતુ ધંધુકા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને દલિત સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહેલને તેમની જાણ બહાર જ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો આપી દેવામાં આવતા રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. મહત્વનું છે કે ભાજપમાં હાલ જિલ્લા સંગઠનની ટીમ બાદ તાલુકા કક્ષાના હોદ્દેદારો નિમણૂકનો દોર ચાલી રહ્યો છે. જેમાં ભાજપે 34 જિલ્લામાં સંગઠનની નિમણૂક બાદ હવે 580 મંડળમાં નિયુક્તિ સમયે સમગ્ર ઘટના ઘટી છે.

આ ઘટના ધંધુકા તાલુકા અનુસૂચિત જાતિ મોરચાની તાલુકા ટીમમાં ઉપપ્રમુખની ટીમમાં નિમણૂક અંગે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે. જે અંગે દલિત સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહેલ સમગ્ર સ્થિતિ અંગે જણાવે છે કે, ’જ્યારે મિત્રો અને સ્નેહીઓના અભિનંદનના ફોન અને મેસેજ આવવાના શરૂૂ થયા, ત્યારે તેમને ખબર પડી કે તેમને ધંધુકા તાલુકા ભાજપમાં અનુસૂચિત જાતિ મોર્ચાના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.’

કાંતિભાઈ ગોહેલે વધુમાં કહ્યું હતું કે, મને તો આ બાબતની કોઈ ખબર જ નહોતી. ભાજપ દ્વારા મને કોઈ લેટર આપવામાં આવ્યો નથી કે કોઈ પૂછપરછ પણ કરવામાં આવી નથી. આ ઘટનાને એક રાજકીય ષડયંત્ર હોય તેવું લાગે છે. આવું કરીને બદનામ કરવા અને કોંગ્રેસ-ભાજપ વચ્ચે અંદરોઅંદર ઝઘડા કરાવવા માટે આ પ્રકારની રમત રમાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મારી સાથે નહીં, પરંતુ આવું અન્ય 4થી 5 લોકો સાથે પણ આ પ્રકારની ઘટના બની છે, જેમને પૂછ્યા વગર જ હોદ્દાઓ આપી દેવાયા છે.

કાંતિભાઈ ગોહેલે પોતાનો પક્ષ રજૂ કરતા અંતે ઉમેર્યું હતું કે, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ વિચારધારાને વળગી રહેવાનો છું. જેથી મેં ભાજપના હોદ્દેદારોને નામ યાદીમાંથી તાત્કાલિક કાઢી નાખવા માટે જાણ કરી દીધી છે. માણસની ખાનદાની અને વર્ચસ્વ તેના કામથી હોય છે, માત્ર પક્ષ બદલવાથી કે હોદ્દો મેળવવાથી માન વધી જતું નથી. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા બનેલી આ ઘટનાએ ધંધુકાના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે.