ઈન્ચાર્જ ડીજીપી ડો.કે.એન.એલ. રાવની અધ્યક્ષતામાં બીએસપી, કોસ્ટગાર્ડ સહિતની વિવિધ એજન્સીના વડા ઉપસ્થિત રહેશે
ગુજરાત સરહદી વિસ્તારની સુરક્ષા અંગે જુદી જુદી એજન્સીઓના વડાઓ વચ્ચે યોગ્ય સંકલન અને મંથન થાય તે માટે 21-22 ફેબ્રુઆરીએ ભૂજ ખાતે ખાસ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી ડો. કે. એલ. એન. રાવ ખાસ ઉપસ્થિત રહી ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના અધિકારીઓ સાથે સુરક્ષા મુદ્દે મંથન કરશે. આ કોન્ફરન્સમાં એજન્સીઓ એકબીજા સાથે માહિતી અને બાતમીઓની વિગતોની આપ-લે પણ કરતી હોય છે. આ ઉપરાંત ડીજીપી પિંગલેશ્વર અને જખૌ જેવા વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
સરહદી રાજ્ય ગુજરાતનો કચ્છ જિલ્લો ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. માટે જ કચ્છ અને સૌરાષ્ટ્રના વિશાળ અને સંવેદનશીલ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, જ્યાંથી દરિયાઈ માર્ગે તેમજ સરહદી વિસ્તારો મારફતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ખતરો સતત રહે છે. ઘણી વખત ડ્રગ ક્ધસાઇનમેન્ટ અને શંકાસ્પદ વસ્તુઓ આ વિસ્તારમાંથી મળી આવતી હોય છે, જે પડોશી દેશ પાકિસ્તાનથી મોકલવામાં આવી હોય છે.
સરહદ પર ચાલતી મૂવમેન્ટ પર કેવી રીતે નજર રાખી શકાય અને સુરક્ષા માટે કેવા પગલાં લેવા જોઈએ તેની ચર્ચા-વિચારણા કરવા માટે ભૂજ ખાતે 21-22 ફેબ્રુઆરીએ ખાસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ તરફથી ઇન્ચાર્જ ડીજીપી ડો. કે. એલ. એન. રાવ ભારતીય સેના, BSF, ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. સાથે સાથે જુદી જુદી એજન્સીઓ સાથે રહીને પણ કેવી રીતે કોઈ મોટું ઓપરેશન પાર પાડી શકાય તેની વ્યૂહરચના પણ ઘડવામાં આવશે.
ભૂજ ખાતે યોજાઈ રહેલી હાઈ-લેવલ ’ક્રાઈમ કોન્ફરન્સ’માં તમામ એજન્સીઓના સિનિયર ઓફિસરો સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી, હથિયારોની દાણચોરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ અસરકારક કોઓર્ડિનેશન અને રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ શેરિંગ પર ખાસ ભાર મુકવામાં આવશે.
ડો. રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લેશે. આ વિસ્તારો દરિયાઈ સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વ ધરાવે છે અને અહીં મરીન પોલીસ તથા અન્ય સુરક્ષા દળોની સજ્જતા અને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. દરિયાઈ પેટ્રોલિંગ, કોમ્યુનિકેશન સિસ્ટમ, આધુનિક ઉપકરણો અને માનવબળની ઉપલબ્ધતા અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે.

