ગુજરાત
ગ્લોબલ વોર્મિંગની અસર: એપ્રિલના બદલે નવેમ્બરમાં આંબામાં આવી કેરી
કેસર કેરી તમામ લોકોને પ્રિય હોય છે. પરંતુ કેરીની સીઝન હોય છે. ઉનાળામાં કેરી ખાવા મળે છે. પરંતુ ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરીના બગીચાઓમાં શિયાળામાં પણ કેરીઓ જોવા મળી હતી. સામાન્ય રીતે ઉનાળામાં કેરી જોવા મળે છે પરંતુ અહીં તો શિયાળામાં કેરી આવતા ખેડૂતો પણ ચોંકી ગયા હતા.
સામાન્ય રીતે કેરીનો પાક ઉનાળાની સીઝનમાં થતો હોય છે પરંતુ તાલાલા ગીરના ઉદયભાઈ કોડિયાતર નામના ખેડૂતે કેસર કેરીનો 30 વીઘાનો બગીચો ધરાવે છે જેના બગીચાઓમાં ચોમાસા દરમિયાન અનેક આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી કેરી જોવા મળતા ખેડૂત પણ ચોંકી ગયા છે. કારણ કે કેરીની સીઝન એપ્રિલ મહિનાથી શરુ થતી હોય છે પરંતુ અહી કમોસમી રીતે કેરી પાકી રહી છે.
ખેડૂતનું કહેવું છે કે સિઝન વગર કેરી આંબા પર આવી છે અને અમે ચાર પાંચ બોક્સ કેરી લણી પણ લીધી છે. આ કેરી સ્વાદમાં પણ બેસ્ટ છે. કેરીની સીઝનમાં સ્વાદ હોય છે તેવો જ સ્વાદ આ કેરીમાં પણ જોવા મળ્યો છે.ખાસ વાત તો એ છે કે કેરીની સીઝનને હજુ પાંચ મહિના જેટલી વાર છે પરંતુ અહી અનેક આંબા પર કેરીઓ આવી છે.
આંબા પર કેરી આવવા પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે. ઉલેખનીય છે કે એક સમયે તાલાલાને કેસર કેરીનો ગઢ મનાતો પરંતુ અચાનક તાલાલામાં હવામાન કેરીને માફક ન આવતું હોય તેમ કેરીનો પાક ઘટવા લાગ્યો અને ખેડૂતો આંબા કાપવા લાગ્યા. કહેવાય છે કે વાતાવરણ કેરી માટે માફક નહિ આવતું હોય. જો કે હાલ સિઝન વગર આંબા પર કેરી જોવા મળતા સૌ કોઈ અચરજમાં મૂકાયા છે. પરંતુ હાલ તો ખેડૂત શિયાળામાં પણ તાજી કેરીનો સ્વાદ માણી રહ્યા છે.