ગોંડલ તાલુકાના ચોરડી ગામમાં રાજાશાહી સમયથી તળપદા કોળી સમાજ દ્વારા સ્મશાન તથા દફનવિધિ માટે ઉપયોગમાં લેવાતી જાહેર જમીન પર ગેરકાયદેસર દબાણ થયાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ મામલે ગ્રામજનોએ રાજકોટ જિલ્લા કલેક્ટર તથા ગોંડલ મામલતદારને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ હાથ ધરી દબાણ દૂર કરવાની માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ચોરડી ગામના જૂના ગામતળ વિસ્તારમાં આશરે દોઢ થી બે વીઘા વિઘા જેટલી જાહેર જમીન વર્ષોથી સ્મશાન અને દફનવિધિ માટે ઉપયોગમાં લેવાતી હતી. જોકે છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન આસપાસના કેટલાક ખેડૂત ખાતેદારોએ ધીમે ધીમે આ જમીન પર દબાણ કરતાં હાલમાં માત્ર 400થી 500 ચોરસ વાર જેટલી જ જગ્યા બાકી રહી હોવાનું જણાવાયું છે.
રજૂઆતમાં જણાવાયું છે કે આ જમીન પર તળપદા કોળી સમાજના આશરે 100થી 150 ભુવાઓની સમાધિઓ આવેલી છે તેમજ 60થી 70 જેટલા નાના મંદિરો પણ નિર્માણ પામેલા છે. છતાં દબાણના કારણે હાલ નવા દફનવિધિ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન રહેતા સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત ગ્રામ પંચાયત સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સમાજના લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં બટુકભાઈ મોહનભાઈ ગરાળા, રાજેશભાઈ બટુકભાઈ પટેલ, રૂૂપસિંહ જુવાનસિંહ ઝાલા અને મનસુખભાઈ માધાભાઈ પટેલ સહિતના ખાતેદારો દ્વારા સ્મશાનની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોએ દબાણના ફોટોગ્રાફ્સ તેમજ 7/12 અને 8-અના દાખલાઓ સાથે રજૂઆત કરી સ્થળ તપાસ કરીને સરકારી જમીન પરથી દબાણ દૂર કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સ્મશાન અને દફનવિધિ જેવી ધાર્મિક તથા સામાજિક રીતે મહત્વની જાહેર જમીનનું રક્ષણ કરવું જરૂૂરી છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને વર્ષો જૂની આ જાહેર મિલ્કતને દબાણમુક્ત કરવી જોઈએ.
